સોરઠમાં મગફળી, કપાસ અને સોયાબીનનો પાક સડ્યો, લાખોનું નુકસાન
ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું, તૈયાર પાક નિષ્ફળ જતાં વળતરની ઉગ્ર માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
સોરઠ પંથક એટલે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસેલા અનરાધાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. મહા મહેનતથી ઉગાડેલો અને લણણી માટે તૈયાર થઈ ગયેલો ખેતી પાક ખેતરમાં જ પાણીમાં ડૂબી જતાં ખેડૂતોને મોટા પાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી કારમી સ્થિતિ સર્જાઈ છે.
- Advertisement -
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેતરોમાં હાલમાં મગફળી, સોયાબીન અને કપાસ સહિતના મહત્ત્વના ખરીફ પાકો ઊભા હતા પાક તૈયાર હતો ત્યારે પાછોતરા વરસાદે તમામ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જૂનાગઢ જિલ્લામાં મગફળીનો પાક લગભગ પાકી ચૂક્યો હતો અને ખેડૂતોએ તેની લણણી કરીને પાથરા તૈયાર કરી દીધા હતા. આ પાથરા ખેતરમાં સૂકવવા માટે રાખવામાં આવ્યા હતા. જોકે, સતત વરસાદને કારણે આ તમામ પાથરા પાણીમાં પલળી ગયા છે. વરસાદી પાણી સતત જમીનમાંથી અને પાથરામાંથી પસાર થતાં મગફળીના દાણામાં ફણગા ફૂટી ગયા હતા અને તે કાળા પડી ગયા હતા. મગફળીના દાણાની ગુણવત્તા સંપૂર્ણપણે નાશ પામી છે. આટલું જ નહીં, પશુઓ માટે ઉપયોગી એવા મગફળીના ચારાને પણ ભારે નુકસાન થયું છે. સોયાબીનનો પાક પણ લણણી માટે તૈયાર હતો. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા સોયાબીનના તૈયાર દાણામાં ફરીથી ફણગા ફૂટી ગયા છે. ખેડૂતોના કહેવા મુજબ, આ વરસાદના કારણે સોયાબીનનો પાક સડી ગયો છે અને તેની બજાર કિંમત હવે શૂન્ય સમાન થઈ ગઈ છે. કપાસના પાકને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે. તૈયાર થયેલા જીંડવા ખુલી ગયા હતા અને તેમાં પાણી ભરાઈ જતાં કપાસની ગુણવત્તા બગડી ગઈ છે. લાંબો સમય ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી કપાસના છોડને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ઉત્પાદન પણ ઘટી જશે.
સમગ્ર સોરઠ પંથકમાં વરસાદે ખેડૂતોની ખુશી છીનવી લીધી છે અને હવે રાજ્ય સરકાર આ સંકટમાંથી ખેડૂતોને કેવી રીતે બહાર કાઢે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. ખેડૂતો તાત્કાલિક નિર્ણય અને વળતરની આશા રાખી રહ્યા છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો સરકાર દ્વારા તેમને આર્થિક સહાય પૂરી પાડવામાં નહીં આવે, તો દેવાના ડુંગર અને પાક નિષ્ફળ જવાથી નિરાશ થયેલા ખેડૂતો પાસે આત્મહત્યા કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં રહે. ખેડૂતોએ સરકારને આ ચિમકી આપીને પોતાની ભયાવહ સ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે.
ખેડૂતોની વેદના: “મહામૂલી મહેનત પાણીમાં ગઈ ”
- Advertisement -
સોરઠ પંથકના ખેડૂતો છેલ્લા કેટલાક મહિનાઓથી આ પાકને મહામૂલી મહેનત અને ખર્ચ સાથે ઉછેરી રહ્યા હતા. ખેડૂતોએ સારા પાકની આશાએ બિયારણ, ખાતર, દવાઓ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે પાક તૈયાર થઈ ગયો હતો અને લણણી કરવાની તૈયારી હતી, ત્યારે જ વરસાદે ત્રાટકીને તેમની તમામ આશા પર પાણી ફેરવી દીધું છે. એક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે દિવસ-રાત જોયા વગર પાક તૈયાર કર્યો હતો. મગફળીના પાથરા એટલે અમારા માટે ઘરમાં આવનારી લક્ષ્મી. પણ આ પાછોતરા વરસાદે અમારી લક્ષ્મીને પાણીમાં ગરકાવ કરી દીધી છે. હવે અમારા ઘરમાં ખર્ચેલા પૈસા પણ પાછા આવે તેમ નથી. ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. બે-ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જવાથી અથવા ઓછા ભાવ મળવાથી ખેડૂતો પહેલાથી જ દેવામાં ડૂબેલા છે. આ નુકસાને તેમની મુશ્કેલીમાં અનેકગણો વધારો કર્યો છે.સરકાર તાત્કાલિક ધોરણે મહેસૂલ, કૃષિ અને પંચાયત વિભાગના અધિકારીઓની ટીમો મોકલીને વરસાદથી થયેલા પાકના નુકસાનનો સચોટ સર્વે કરાવે. ખેડૂતોને થયેલા નુકસાનના પ્રમાણમાં યોગ્ય અને પૂરતું આર્થિક વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે.