મોરબીમાં આશરે 25-30 હજાર હેક્ટરમાં છે ચેરના જંગલો: ‘મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબી વન વિભાગ દ્વારા 250 હેક્ટરમાં 10 લાખથી વધુ ચેરની સિંગનું વાવેતર કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
26 જુલાઈ એટલે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ. લોકો ચેરનું મહત્વ સમજે અને જાગૃત બની ચેરના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે તેવા ઉમદા આશય સાથે સમગ્ર વિશ્વમાં ચેર સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચેરના વૃક્ષને દરિયાકાંઠાનું કલ્પવૃક્ષ કહેવામાં આવે છે કારણ કે, તે સમગ્ર કિનારાના વિસ્તારની કાયાકલ્પ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચેરના વૃક્ષની સૌથી અગત્યની બાબત એ છે કે, તે બહુ મોટા પ્રમાણમાં કાર્બનનું ગ્રહણ કરી જીવસૃષ્ટિ માટે પ્રાણવાયુ એવા ઓક્સિજનનું સર્જન કરે છે. ચેર એ વિશ્વનું સૌથી વધુ ઉત્પાદક નિવસનતંત્ર છે, જે માછલી, કરચલા અને અન્ય પ્રાણીઓ માટે રહેઠાણ પ્રદાન કરે છે. ધોવાણ અને વાવાઝોડાના નુકસાનથી કિનારાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને પાણીમાંથી પ્રદૂષકોને ફિલ્ટ2 કરે છે. ચેરનું મહત્વ સમજી કેન્દ્ર સરકાર દ્વારા ’ખઈંજઇંઝઈં’ (મેન્ગ્રોવ ઇનિશિયએટિવ ફોર શોરલાઈન હેબીટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ અભિયાનના ભાગરૂપે દેશમાં 75 થી વધુ જગ્યાઓએ ચેરના વૃક્ષનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓ સાથે મોરબીમાં પણ મિષ્ટી કાર્યક્રમ હેઠળ ચેર (મેન્ગ્રોવ) ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં 250 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વન વિભાગ હેઠળ 7770 હેક્ટર વિસ્તાર ચેરના જંગલો આવેલા છે. આ ઉપરાંત નવલખી બંદર તેમજ નીલ સર્વે નંબર હેઠળ આશરે 15 થી 20 હજાર હેક્ટર વિસ્તારમાં ચેરના જંગલો આવેલા છે. આમ મોરબી જિલ્લામાં આશરે 25 થી 30 હજાર હેક્ટર વિસ્તારમાં ચેરના જંગલો આવેલા છે. મોરબી જિલ્લા વન વિભાગ દ્વારા મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ 250 હેક્ટર વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વન વિભાગ હેઠળના અન્ય વિસ્તારમાં પણ ચેરનું વાવેતર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કુદરતી દીવાલ ચેરના વૃક્ષો: સુનામી જેવા ભયાનક વિનાશથી દરિયાકાંઠાને બચાવે
ચેર એ માટીનું ધોવાણ અટકાવે છે જેથી તે દરિયાકાંઠા વિસ્તારમાં કુદરતી દિવાલ તરીકે કાર્ય કરે છે. ચેર એ દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવે છે. ઉપરાંત તે દરિયાઇ બળતણ તેમજ ઔષધી તરીકે પણ મહત્વ ધરાવે છે. ચેર એ દરિયાઈ તોફાનો, સુનામી જેવા ભયાનક વિનાશથી દરિયાકાંઠાને બચાવે છે. તદઉપરાંત દુષ્કાળ સમયમાં માલ-ઢોરના ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે. જળચર જીવો માટે અને દરિયા કિનારાના સંવર્ધન માટે પણ ચેર સવિશેષ મહત્વ ધરાવે છે. મેન્ગ્રોવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રોવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતા સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન આશ્રયસ્થાન પૂરૂ પાડે છે અને સ્થાનિક હવામાન પણ સુધારે છે.