થેંક્યુ ડોકટર- અમારો જીવન સાથે મેળાપ કરાવવા બદલ.
સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ ‘‘રાષ્ટ્રીય ડોકટર દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે. પ. બંગાળના મુખ્યમંત્રીશ્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં વર્ષ ૧૯૯૧થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ ઉજવણી કરવામાં આવે છે.
પશ્ચીમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ ૧ જુલાઇ-૧૮૮૨ પટણામાં થયો હતો. કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોયે લંડનમાંથી એમ.આર.સી.પી.(મેમ્બર ઓફ રોયલ કોલેજ ઓફ ફીઝીશીયન) અને એફ.આર.સી.એસ.(ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સ)ની ડીગ્રી મેળવી. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા અને ફીઝીશ્યન તરીકે ભારતમાં જ તેમની તબીબી કારકીર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ તેઓ કલકત્તા મેડિકલ કોલેજ અને કેમ્પબેલ મેડિકલ સ્કુલમાં જોડાયા. તેઓ ખૂબ જ જાણીતા ફીઝીશ્યન અને શિક્ષણવિદ્ હતા. મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. ડો.રોય ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યું હતું. ડોકટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિઃસ્વાર્થ સેવા કરીને અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી.૧ જુલાઇ ૧૯૬૨માં ડો. રોયને દુઃખદ નિધન બાદ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘‘ભારતરત્ન’’થી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
ડોકટર્સનું આપણા જીવનમાં અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વાર્થ સેવાનું ઋણ આપણે ચુકવીને આ દિવસની ઉજવણી સાર્થક બનાવવી પડશે આ માટે જીવનની અમૂલ્ય ક્ષણો સાથે મેળાપ કરાવનાર ડોક્ટર્સને શુભેચ્છાપત્રો, ફૂલો, સ્મૃતિચિહ્ન વગેરે આપી તેમનો ઋણસ્વીકાર કરવો જોઇએ.