ખાસ-ખબર સંવાદદાતા
જામનગર જીલ્લાની કાલાવડ વિધાનસભા વિસ્તારમાં આવતા અને મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તારમાં આવતા જીવાપર (આ) ગામના અનુસુચીત જાતિના વિસ્તાર દ્વારા ચુંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં કોઈ પણ પક્ષના ઉમેદવારોને મત માંગવા નહીં આવવા જણાવવામાં આવ્યું છે.
ગામના અનુસુચીત જાતિના પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે, તેમના વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરની કે પીવાના પાણીની લાઈન આપવામાં આવી નથી.
આ ઉપરાંત સીસી રોડ પણ વર્ષો જુનો છે જે હવે ખરાબ થઇ જતા વાહન લઈને નીકળવું મુશ્કેલ થઇ પડ્યું છે. આ ઉપરાંત ગામમાં અનુસૂચિત જાતીના પરિવારના કોઈ સ્વજન અવસાન પામે તો તેમના ગામમાં જવા માટે રસ્તો નથી તેમજ સ્મશાન ફરતે દીવાલ પણ નથી. આ બંને કામ માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય સુધી રજૂઆત કરવા છતાં આજ સુધી એક પણ કામ કરવામાં આવ્યા નથી.
- Advertisement -
આ ઉપરાંત તેઓ આર્થિક રીતે અતિ પછાત હોય જેના કારણે સરકારી આવાસ માટે પણ હકદાર હોય જે આવાસ કે પ્લોટની પણ માંગણી છે જે ફાળવણી કરવામાં આવી નથી.
તેઓને બીપીએલની એક થી દસના સ્કોરમાં સમાવવા માંગણી છે તે કામગીરી પણ કરવામાં ન આવતા આવા વિવિધ પડતર પ્રશ્નો મામલે અનુસુચિત જાતિના લોકોએ ચુંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.