ઇમિટેશન જ્વેલરી પાર્ક માટે 2 લાખ સ્ક્વેર મીટર જગ્યા રાજકોટમાં ટોકન ભાવે આપવા સરકાર સમક્ષ માગણી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર માત્ર એન્જિનિયરિંગ માટે જ નહીં પણ જ્વેલરી ઉદ્યોગ માટે પણ જાણીતુ છે. આથી ઇમિટેશન ઉદ્યોગ માટે જગતભરમાં પ્રખ્યાત રાજકોટમાં અલાયદો પાર્ક સ્થપાય એ માટેની ગતિવિધી તેજ બની છે. ઉદ્યોગકારો સરકારમાં લેખિતમાં પ્રેઝન્ટેશન દ્વારા વજનદાર રજૂઆત કરીને રાજકોટ શહેરનો ચળકાટ વધારવા માટે તૈયારી કરી રહ્યા છે. ઇમિટેશન જ્વેલરી પાર્કની સ્થાપના માટેનો પ્રસ્તાવ સરકારને મોકલાયો છે. તેમજ રૂબરૂ મુલાકાત માટે સમય પણ માંગવામાં આવ્યો છે.
- Advertisement -
રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ક માટે અગાઉ સરકારના સંબંધિત વિભાગ સાથે મૌખિક વાતચિત થઇ હતી પણ હવે પાયાથી આયોજન કરીને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, જીઆઇડીસી તથા ઉદ્યોગ કમિશ્નરને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. તેમજ રાજ્ય સરકાર પાસે મુલાકાતનો સમય માગવામાં આવ્યો છે.
રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસીએશનના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. ઇમિટેશન જ્વેલરી પાર્ક માટે 2 લાખ સ્ક્વેર મીટર જગ્યા રાજકોટમાં ટોકન ભાવે આપવા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. પાર્કમાં આશરે 700 જેટલા ઉદ્યોગકારો દ્વારા રૂ.450 કરોડનું રોકાણ કરવામાં આવે તે માટે સંગઠને તૈયારી દર્શાવી છે. પાર્કને લીધે આશરે 3-4 લાખ લોકોને રોજગારી મળશે તેવો પાક્કો અંદાજ મૂકાયો છે. શહેરમાં પ્રવર્તમાન સમયે ઇમિટેશન જ્વેલરીનું ઉત્પાદન શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ તરીકે થાય છે પણ મોટો પાર્ક તૈયાર થાય તો અનેક તકો રહેલી છે. હાલમાં નિકાસમાં પણ રાજકોટના ઇમિટેશન મોખરે છે. પાર્ક બને તો વધુ દેશોની બજાર ઉજાગર થશે. પ્રવર્તમાન સમયે ચીન ઇમિટેશનનું હબ છે ત્યાંથી ખૂબ નિકાસ થાય છે. એ જ રીતે રાજકોટમાંથી પણ નિકાસના દ્વાર ખૂલી શકશે. પાર્કને લીધે ચીનમંથી ઇમિટેશનની આયાત બંધ થશે તો સરવાળે આપણું વિદેશી હૂંડિયામણ પણ બચશે.
રાજકોટમાં બનતા ઇમિટેશનનો ઉપયોગ ફિલ્મો અને ટીવી સિરીયલોમાં પણ થાય છે
રાજકોટના આસપાસના વિસ્તારો તથા જિલ્લામાં 15 હજાર જેટલા નાના મોટાં જથ્થાબંધ ઉત્પાદકો છે. આશરે રૂ. 400 કરોડની નિકાસ થાય છે. વાર્ષિક ધોરણે રૂ. 5 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. ઇમિટેશનમાં વિવિધ પ્રકારની મેટલનો ઉપયોગ થાય છે. એને પસંદગીના આકારમાં ઢાળીને દાગીના તૈયાર કરાય છે. રાજકોટમાં બનતા ઇમિટેશનનો ઉપયોગ ફિલ્મો અને ટીવી સિરીયલોમાં પણ થાય છે. ભારતમાં ફેશન જ્વેલરીની માર્કેટ રૂ. 656.20 અબજની હોવાની ધારણા છે. ભારતમાંથી સૌથી વધારે નિકાસ અમેરિકા અને ત્યારબાદ દુબઇ તથા યુ.કે.માં નિકાસ કરવામાં આવે છે.