ગ્રામજનો તથા ઉદ્યોગકારો અણિયારી ચોકડીથી રેલીસ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઔદ્યોગિક હબ સમાન જેતપર પીપળી રોડની હાલત દયનીય બની ગઈ છે. આ રોડ એટલી હદે બદતર બની ગયો છે કે રોડ પર ડામરનું તો ક્યાંય નામો નિશાન નથી રહ્યો તો ખાડાની સંખ્યા અને કદ એટલા મોટા પ્રમાણમાં છે કે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો એ જ ખબર પડતી નથી. મોરબીના 34 કિમીના આ રોડ પર 150 જેટલા નાના મોટા સિરામિક કારખાના આવેલ છે જેમાં રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં નોકરી ધંધા માટે લોકો અપડાઉન કરે છે. દિવસ રાત ધમધમતા રોડની હાલત એટલી હદે બિસ્માર થઈ ગઈ છે કે દરરોજ મોટા પાયે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા 14 ગામના સરપંચ સહીત ગ્રામજનો અને ઉદ્યોગકારોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને અણિયારી ચોકડીથી મોરબી કલેકટર કચેરી સુધી 30 કિમિ જેટલી વિશાળ બાઈક તથા કાર રેલી કાઢી હતી અને કલેકટર કચેરીએ પહોંચીને પોતાની માંગણી મુદે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડનું તાત્કાલિક સમારકામ કરવા તેમજ ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક ફોરલેન રોડનું કામ કરવા કલેકટર સમક્ષ માંગણી કરી હતી.



