વડોદરાના સાંડેસરા બંધુઓએ બેન્કોને 17 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે
ચેતન સાંડેસરાનો સાળો હિતેશ પટેલ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં જે નિર્દોષ નાગરિકોના મોત થયા છે, તેનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની – જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો અને તેનું કનેક્શન વડોદરાના કૌભાંડીઓ સાથેનું નીકળ્યું છે. આ કનેક્શન એવી રીતે જોડાય છે કે, બનેવી સાથે મળી બેંકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલા વડોદરાના કૌભાંડી હિતેશ પટેલની પુત્રીના લગ્ન જયસુખ પટેલના પુત્ર સાથે થયા છે. આમ, હિતેશ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે. રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ ખાનગી ફાયનાન્સ કંપનીઓને 17 હજાર કરોડ ઉપરાંતનો ચુનો ચોપડી અંડર ગ્રાઉન્ડ થઈ ગયેલા વડોદરાના કૌભાંડી ચેતન ઉર્ફે ચીકુ સાંડેસરા, તેની પત્ની દિપ્તી સાંડેસરા, નીતિન સાંડેસરા, ચીકુના સાળા હિતેશ પટેલ અને મયુરી પટેલને આજે પણ સીબીઆઈ શોધે છે. હવે, કૌભાંડી હિતેશના વેવાઈ જયસુખ પટેલના કાંડે દેશમાં જ નહીં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. મોરબીમાં જે ઝુલતા પુલનું મેઈટેન્સન્સ કરી 15 વર્ષ માટે ચલાવવાનો ઈજારો આપવામાં આવ્યો હતો, તે જયસુખ પટેલની ઓરેવા કંપની પાસે હતો. બે કરોડના ખર્ચે ઝુલતા પુલને રીપેર કરી નગર પાલિકાની મિલીભગતથી નવા વર્ષે જ પબ્લિક માટે ખુલ્લો મુકી દેવાયો હતો. જેને લઈ રવિવારે મોડીસાંજે ઝુલતો પુલ તુટી પડતાં આશરે 150 જેટલા લોકોના મૃત્યુ થયા છે.
ચેતન સાંડેસરા, બહેન દીપ્તિ અને વિદેશ ભાગી ગયેલા હિતેશ પટેલને ઈઇઈં શોધે છે
મુખ્ય આરોપી જયસુખ પટેલ સામે ફરિયાદ ન થતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું
પોલીસે દુર્ઘટનામાં મેઈન્ટેન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સીઓને જવાબદાર ઠેરવીને નાના કર્મચારીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પુલ દુર્ઘટનાના કલાકો બાદ ક્યાં છે જયસુખ પટેલ? શું ધરપકડના ડરથી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે? મોરબી પોલીસ પણ કેમ જયસુખને છાવરી રહી છે? કાર્યવાહીના નામે શું માત્ર નાના કર્મચારીઓને પકડીને પોલીસ સંતોષ માનશે? આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે.
- Advertisement -
ઝૂલતાં પુલનાં જઘન્ય સામુહિક હત્યાકાંડનાં આરોપી જયસુખ પટેલને છાવરવાનો પ્રયાસ
પોલીસને તમામ નામ અને એજન્સીની જાણ હતી છતાં નામજોગ ફરિયાદ ન કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે શરૂઆતથી જ અમુક મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રવિવારે સાંજના સમયે બનેલી ઘટનાની ગણતરીની કલાકોમાં જ એફઆઈઆર પોલીસે નોંધી લીધી છે અને તેમાં માત્ર એજન્સીનો જ ઉલ્લેખ કરાયો છે કઈ એજન્સી છે તે પણ લખવામાં આવ્યું નથી. રવિવારની રાત્રે જ એજન્સી અને નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી ફરતી થઈ ગઈ હતી અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કઈ કંપનીને કેટલા સમય માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમ છતાં પોલીસે કોઇકના ઈશારે ભૂંડી ભૂમિકા ભજવવાની શરૂઆત કરી દીધી છે. કોઇ અજાણી વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ આપણે સંવેદના વ્યક્ત કરતા હોઈએ છીએ, ટ્વીટ કરતા હોઈએ છીએ, બે હાથ જોડે તેવા ઈમોજી પણ આપણે મૂકતા હોઈએ છીએ, ઓમ શાંતિના સંદેશા વહેતા મૂકતા હોઇએ છીએ પરંતુ રાજકોટ રેન્જ આઈજી કે જેના હાથ બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં ખરડાયેલા છે તે અશોક યાદવ, મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રકાશ દેકાવાડિયાએ મોટા માથાને બચાવવા માટે ખેલ શરૂ કર્યો હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. એફઆઈઆરમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાનો સમય સાંજના 6.30 કલાકનો દર્શાવવામાં આવ્યો છે અને 20:15 એટલે કે રાત્રે 8.15 કલાકે પોલીસને જાણ થયાનો સમય દર્શાવ્યો છે. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રકાશ દેકાવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે 1) ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી 2) મેનેજમેન્ટ કરનાર એજન્સી અને 3) તપાસમાં ખૂલે તે. તેવું દર્શાવવામાં આવ્યું છે. આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
બધી જ જાણ હોવા છતાં પોલીસે…
રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર દેકાવાડિયાને એ જાણ હતી કે, 7 માર્ચ 2022ના રોજ નગરપાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. (ઓરેવા ગ્રૂપ) વચ્ચે ઝૂલતા પુલના મેન્ટેનન્સ સહિતના કરારો થયા છે આ કરારમાં કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું, કેવી રીતે સોંપવામાં આવ્યું, રિપેરિંગનો ખર્ચ કેટલો થશે, સંચાલન કેવી રીતે થશે, જે રૂપિયા આવશે તે કોને મળશે સહિત તમામનો ઉલ્લેખ હતો. જોકે, નગરપાલિકા પાસેથી કરારની કોપી લઈને એજન્સી તેમજ એજન્સીના માલિકો અને ડિરેક્ટરો સામે નામજોગ ફરિયાદ કરવાને બદલે બે આઈપીએસ અને એક ક્લાસ-2 અધિકારીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનું ન્યાયપાલિકા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું મેનેજમેન્ટ-રિપેરિંગનું કામ કેવી રીતે મળ્યું?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગત રવિવારે સાંજે ઝૂલતા પુલ પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો.મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટીને નદીમાં પડી જવાથી અત્યાર સુધીમાં આશરે 150 જેટલા લોકોના મોત થયા છે.આ ઘટના બાદથી પુલની જાળવણીની જવાબદારી સંભાળતું ઓરેવા ગ્રુપ શંકાના દાયરામાં આવ્યું છે.અહીં પ્રશ્ન એ ઉભો થયો છે કે અંજતા ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું સંચાલન તેમજ સમારકામ કેવી રીતે મળ્યું? તે સૌથી મોટો સવાલ છે. આ પુલનું નવીનીકરણ કરનાર ઓરેવા ગ્રુપ અને જયસુખ પટેલે આ બ્રિજ માટે 25 વર્ષની ગેરંટી આપી હતી.આ બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ અને સરકારની ત્રણ એજન્સીઓ દ્વારા તપાસ કરવાની બાકી હતીપરંતુ દિવાળી દરમિયાન ઉતાવળમાં જયસુખ પટેલે તેમની પૌત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું.
બ્રિજનાં સમારકામનું ટેન્ડર ન કરાયું, જૂના વાયરો બદલાયા નહીં
ખાસ-ખબર સંવાદદાતા
બ્રિજનું નવીનીકરણ કરનાર ગુજરાત સ્થિત કંપની ઓરેવાને મોરબી પાલિકા દ્વારા માર્ચમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોઈ ટેન્ડર રૂૂટ લેવામાં આવ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું કે દેશની ટોચની ફોરેન્સિક લેબોરેટરીએ પણ ભારે ભીડને કારણે પુલ ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક ટીમે પૃથ્થકરણ માટે ભારે કટીંગ ટૂલ્સ વડે પુલ પરથી ધાતુના નમૂનાઓ કાઢ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ફોરેન્સિક અધિકારીઓએ સ્ટ્રક્ચરના સેમ્પલ લેવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે તેમને જાણવા મળ્યું કે લોકોની ભારે ભીડને કારણે કેબલ બ્રિજનું માળખું નબળું પડી ગયું છે. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં ડઝનેક લોકો પુલ પર કૂદતા અને દોડતા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં આનંદ માટે સંરચનાને પ્રભાવિત કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હોવાનું જણાય છે.
મચ્છુ નદી પર બનેલા આ પુલની ક્ષમતા 100-150 લોકોની જ હતી. અકસ્માતના દિવસે એટલે કે રવિવારે આ પુલ પર ક્ષમતા કરતા 5 ગણા વધુ લોકો હતા. 100 લોકોની ક્ષમતાવાળા બ્રિજ પર 400-500 લોકો આવી પહોંચ્યા હતા.
PM મોદી બપોર પછી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચશે
આજે વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લેશે. એને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવર-જવર બંધ કરાઇ છે. જ્યારે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.