ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. ભાજપ જેમ દર વખતે ચોંકાવે છે તેવી જ રીતે ચોંકાવ્યા. ગુજરાતમાં સૌથી વધુ જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં હતું કે, તેમને મહત્વનું પદ આપવામાં આવશે પરંતુ એવું ન થયું. રાજકોટમાં સહકારી સંમેલન યોજાયું ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી આવ્યા હતા ત્યારથી ચર્ચા જાગી હતી કે, જયેશભાઈ કેબિનેટમાં ફાઈનલ. પરંતુ એવું ન થયું જ્યારે હવે જયેશ રાદડિયા ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનમાં તેમને સ્થાન મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે પ્રદેશ મહામંત્રી બનવા માટે ડો.ભરત બોઘરા પણ ઘણા વખતથી થનગની રહ્યા છે. સી.આર.પાટીલની નજીક રહેતા જ્યારે નવા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા રાજકોટ આવ્યા ત્યારે પણ સતત તેમની પડખે રહ્યા. ગુજરાત ભાજપ પ્રદેશમાં અધ્યક્ષ પછી મહામંત્રીનું પદ હોય છે. ત્યારે જયેશ રાદડિયા હવે આ પદ મેળવવા માટે જોર- શોરથી પ્રયાસ કરશે ત્યારે જયેશ રાદડિયા અને ભરત બોઘરામાંથી આ પદ કોને મળે તે જોવું રહ્યું…
- Advertisement -
રાદડિયા કપાયા શા માટે? મેન્ડેટ પ્રકરણ નડી ગયું?
જેતપુર-જામકંડોરણા સહકારી ક્ષેત્ર અને પાટીદાર સમાજમાં જયેશભાઈનું પ્રભુત્વ પ્રબળ છે પરંતુ એવું તો શું થયું કે, અંતિમ ઘડીએ જયેશભાઈને પડતા મુકાયા. તેનું કારણ એ છે કે તેમણે મેન્ડેટનો અનાદર કર્યો. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે. પાર્ટીનું શિર્ષ નેતૃત્વ જે નિર્ણય લે તે સર્વોપરી હોય છે. મે મહિનામાં ઈફ્કોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાદડિયાને મેન્ડેટ ન હોવા છતા ફોર્મ ભર્યું અને જીત્યા જ્યારે સામે અમદાવાદના બિપીન પટેલને ભારતીય પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું તે હાર્યા.
વિજયભાઈની વિદાય બાદ રાજકોટ ભાજપ નેતૃત્વ વિહોણું
નવા મંત્રી મંડળમાં રાજકોટને સ્થાન અપાયું નથી. રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડનું નામ છેક સુધી ચાલ્યું હતું. તેની કામગીરીની નોંધ પણ સરકારમાં લેવાઈ છે. ત્યારે ભાનુબેન બાબરીયા જે કેબિનેટમાં હતા તેને પણ પડતા મુકી દીધા છે. આમ વિજયભાઈના ગયા બાદ રાજકોટ ભાજપ નેતૃત્વ વિહોણું કહી શકાય. વિજયભાઈ રાજકોટની વાત ગાંધીનગર સુધી પહોંચાડતા હતા પરંતુ આ વખતે એકપણ ખાતું ન સોંપાતા રાજકોટ હાલ નેતૃત્વ વિહોણું થઈ ચુક્યું છે.
રાજકોટને સ્થાન નથી અપાયું તેની અસર શું થશે?
રાજકોટના એકપણ ધારાસભ્યને નવા મંત્રીમંડળમાં સ્થાન નથી અપાયું. જ્યારે જૂના મંત્રીમંડળમાં ભાનુબેન હતા તેની પણ બાદબાકી કરી દેવામાં આવી છે જો કે તેનું કારણ તેની નિષ્ક્રિયતા છે. ત્યારે હવે ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવનારી મહાનગરપાલિકા, પંચાયતોની ચૂંટણીમાં આની અસર દેખાશે. રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે ચૂંટણી નજીક છે ત્યારે એકપણ મંત્રીપદ ન અપાતા આવનારી ચૂંટણીમાં આની સીધી અસર દેખાશે. રાજકોટ મહાનગરપાલિકામાં અને જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતી છે આવનારી ચૂંટણીમાં કેટલીક સીટો પર આની અસર દેખાય તો નવાઈ નહીં.
- Advertisement -