કેટલાંક લોકો ખરેખર ન્યુસન્સ ફેલાવવા આવી રહ્યાં છે : મહંતની રજૂઆત
ધોધમાં સ્નાન કરવા પહોંચતાં લોકો ધર્મક્ષેત્રને મલીન કરી રહ્યાંનાં આક્ષેપ થયા: ભક્તોમાં રોષ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની પાછળની સીડીએ જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે. તેમજ અહીં પાણીનાં ઝરણા વહી રહ્યાં છે. વરસાદનાં પગલે અહીં ઝરણા શરૂ થઇ ગયા છે. લોકો મોટી સંખ્યામાં અહીં આનંદ માણવા જઇ રહ્યાં છે.ત્યારે ગઇકાલે વન વિભાગે અહીં જતા લોકોએ અટકાવી દીધા હતાં. વન વિભાગની આ કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ અહીં જતા લોકો પણ પ્રકૃતિનો મર્યાદા ચુક્યાં હોય તેવું દેખાઇ રહ્યું છે. લોકો આસ્થા કરતા મોજશોખ માટે વધુ જઇ રહ્યાં છે અને જંગલમાં ન્યુસન્સ ફેલાવી રહ્યાં છે. આ અંગે જટાશંકર મહાદેવ મંદિરનાં મહંત પુર્ણાનંદજી બાપુએ વન વિભાગ અને પોલીસને રજુઆત કરી જણાવ્યું હતું કે, જટાશંકર મહાદેવ મંદિરે નિયમીત આવતા ભકતો આસ્થાપૂર્વક આવે છે અને સીડી ઉપર કોઇ જ પ્રકારનું ન્યુસન્સ ફેલાવતા નથી. હાલ અહીં ધોધ શરૂ થયા છે. કોલેજિયનો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. તેમજ સીડી ઉપર બેફામ પ્લાસ્ટીકનો કચરો અને જંગલની શોભાને નુકસાન કરી રહ્યાં છે. સાચા દર્શનાર્થીઓ સિવાય અહીં ધોધની મોજ લેવા આવે છે અને ન્યુસન્સ ફેલાવી રહ્યાં છે. ધર્મક્ષેત્રને પણ મલીન કરી રહ્યાં છે. પોલીસ દ્વારા યુવા પોલીસ જવાનોનો બંદોબસ્ત મુકવો અને ધોધમાં સ્નાન કરવાની મનાઇ ફરમાવવી. જેથી કરીને મંદિરની શોભા, ગરીમા અને લોકશ્રધ્ધા જળવાઇ રહે.
માનવ સલામતીનાં ભાગરૂપે રસ્તો બંધ કરાયો
ઇન્ચાર્જ એસીએફ અરવિંદ ભાલીયાએ જણાવ્યું કે, જટાશંકર મંદિરના મહંત પૂર્ણાનંદજીએ વન વિભાગમાં અરજી કરી છે, અહી આવતા કેટલાક લોકો દ્વારા પર્યાવરણને નુકશાન કરવામાં આવી રહ્યું છે. તેમજ ધાર્મિક લાગણી સાથે જોડાયેલા ઓછા લોકો આવે છે અને માત્ર મોજશોખ કરવા આવતા હોવાની લેખિતમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને તેમજ હાલ વરસાદી માહોલને લઈને માનવ સલામતીનાં ભાગરૂપે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યો છે. જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરતો તો તેની સામે દંડનીય કાર્યવાહી કરાશે.
- Advertisement -
વન વિભાગ દ્વારા તાત્કાલિક માર્ગ ખુલ્લો કરાય
અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું કે, વન વિભાગ દ્વારા પ્રવેશ બંધી કરવામાં આવી છે,તે યોગ્ય નથી. ચોમાસાની ઋતુમાં લોકો અહીં ફરવા આવતા હોય છે અને મંદિરે દર્શન કરવા આવતા હોય છે, ત્યારે તાત્કાલિક આ માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી માંગ છે.
અસામાજીક તત્ત્વો દ્વારા પાર્ટીઓ થતી હોવાની ચર્ચા
અહીંનાં જંગલમાં કેટલાક તત્વો દારૂની પાર્ટી થતી હોવાની પણ ચર્ચા જાગી છે. જંગલની ગરીમાને જળવાતી નથી. જેના કારણે ભાવીકોમાં પણ રોષ ફેલાયો છે. આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.