વીરપુર રોડ અકસ્માતમાં ગુમાવ્યું જીવ
ખાસ-ખબર ન્યૂઝ જામકંડોરાણા
જામકંડોરાણા-ઉમરાળી રોડ પર 16 ડિસેમ્બર 2024ના રોજ બનેલા અકસ્માતમાં ઉમરાળી ગામના નરેન્દ્રભાઈ વાલજીભાઈ પીપળીયાનું કાર સાથે ટક્કર થતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓ મોટરસાયકલ પર પાછળ બેસેલા હતા ત્યારે કાર ચાલકે બેફામ હંકારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવ અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.
પ્રથમવાર સરકારી ઈન્શ્યોરન્સ કંપની સાથે સમાધાન: મૃતકના વારસદારોએ વિશેષ વકીલ પ્રતિક એ. સુચક અને મયુર કે. પાણખાણીયા મારફતે રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલમાં વળતર કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સામાવાળી નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના અધિકારીઓ હીરેનભાઈ મોડાસીયા, ગીરીશભાઈ કોટક તથા વકીલ ધર્મિષ્ઠાબેન જોષી હાજર રહ્યા હતા. આજરોજ લોકઅદાલતમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થકી મૃતકના વારસદારોને રૂ. 40 લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે. ખાસ નોંધનીય છે કે સરકારી ઈન્શ્યોરન્સ કંપની સાથે લોકઅદાલતમાં અકસ્માત વળતર કેસમાં આ રીતે પ્રથમવાર સમાધાન થયું છે, જે વારસદારો માટે રાહતરૂપ સાબિત થયું છે.