જામીન માટે નીચલી કોર્ટ કે હાઇકોર્ટમાં જવા આદેશ: હવે ગુજરાત HC નિર્ણય લેશે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું- અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલા આ અકસ્માતમાં કુલ 135 લોકોનાં મોત થયા હતા. જયસુખ પટેલ બ્રિજની જાળવણી કરતી કંપની ઓરેવાના એમડી છે. જયસુખ પટેલ વતી એડવોકેટ મુકુલ રોહતગી અને પીડિત પક્ષ વતી ઉત્કર્ષ દવે હાજર થયા હતા. હવે 12 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ જયસુખ પટેલની જામીન અરજી ઉપર નિર્ણય લે તેવી શક્યતા છે. ગત વર્ષે 30 ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો. આ બ્રિજ તૂટતાં મચ્છુ નદીમાં પડવાથી 135 લોકોના મોત થયા હતા.
- Advertisement -
આ ઘટનામાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ, કંપનીના બે મેનેજર, બ્રિજનું રિપેરિંગ કામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના બે કોન્ટ્રાક્ટર, બે ટિકિટ વેચનાર ક્લાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે જયસુખ પટેલની રેગ્યુલર અને હંગામી જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપનો ઇનકાર કરતાં હાઇકોર્ટને 12 ડિસેમ્બરે જયસુખ પટેલની અરજી ઉપર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે. અગાઉ આ કેસમાં પીડિત પક્ષ વતી કેસ લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેને ધમકીઓ મળતા સરકારે તેમની સુરક્ષા માટે હથિયાર બદ્ધ અંગરક્ષકની સુવિધા પૂરી પાડી છે.