ત્રણ દિવસમાં 82 દર્દીઓને કૃત્રિમ અંગ અને કેલિપર્સનો વિનામૂલ્યે લાભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ અને ઇન્ટરનેશનલ સિદ્ધાર્થ આશ્રમ (લંડન) ના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં દિવ્યાંગો માટે ત્રણ દિવસીય જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 1 ઓગસ્ટ, 2025 થી 3 ઓગસ્ટ, 2025 સુધી યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 82 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં 27 દર્દીઓને કેલિપર્સ, 34 દર્દીઓને કૃત્રિમ પગ અને 21 દર્દીઓને પગ રિપેરિંગની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પનું મુખ્ય આયોજન દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ સિદ્ધાર્થ આશ્રમ (લંડન)ના રાજેશ્વર ગુરુજી દ્વારા કરવામાં આવે છે. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને ઇન્ટરનેશનલ સિદ્ધાર્થ આશ્રમ (લંડન)ના રાજેશ્વર ગુરુજી તેમજ કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી અને રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળ્યો હતો. રાજસ્થાનથી આવેલા ડોક્ટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા અને તુફાનસિંહ તોમરે દર્દીઓને સેવા આપી હતી. આ કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે ચા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આગામી કેમ્પ 1 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ દિવસ માટે યોજાશે.