ભાજપના OBC નેતાએ ફોર્મ ભર્યું, CM બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે. તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી, દિનેશ અનાવાડીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રંજનબેન ભટ્ટ, ભરતસિંહ પરમાર, રજની પટેલ, વિનોદ ચાવડા, વેલજીભાઈ મસાણી, શંભુનાથ ટુંડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે.
ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બન્ને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઇ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ર્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્ર્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યારસુધીમાં ભાજપે કોઇ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી, તેથી આ કિસ્સો અપવાદરૂપ બને.
આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.