ડો. સુધીર શાહ
અમેરિકાના નોન-ઈમિગ્રન્ટ શ્રેણીમાં ફુલટાઈમ એકેડેમિક સ્ટુડન્ટ માટેના ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા અને વોકેશનલ સ્ટુડન્ટો માટે ‘એમ-1’ સંજ્ઞા ધરાવતા, પરદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસ કરવા જવા માટેના જે બે પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા છે એની સાથે સાથે એક ત્રીજા પ્રકારના ‘જે-1’ સંજ્ઞા ધરાવતા એક્સચેન્જ વિઝિટરો માટેના વિઝા પણ ઘડવામાં આવ્યા છે. એની ગણના પણ સ્ટુડન્ટ વિઝામાં કરવામાં આવે છે.
- Advertisement -
શિક્ષકો, પ્રોફેસરો, સંશોધનકારો, સ્કોલરો, ખાસ આવડત ધરાવતી વ્યક્તિઓ ઈન્ટરનેશનલ વિઝિટરો, જેમનો અમેરિકામાં પ્રવેશવાનો ઉદ્દેશ કલ્ચરલ એક્સચેન્જને વિકસાવવાનો હોય, પરદેશી મેડિકલ ગ્રેજ્યુએટો-ડોક્ટરીના અભ્યાસને લગતા પ્રોગ્રામમાં જેઓ ભાગ લેવા ઈચ્છતા હોય, બિઝનેસ અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેઈનીઓ, વિમાનના ઈન ફ્લાઈટ ટ્રેઈનીઓ, આંતરદેશીય વિચારોની આદાનપ્રદાન કરનારા એજન્ટો, સંશોધન કરનારાઓના સહાયકો, જેમને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે સ્પોન્સર કર્યા હોય, યુવા વર્કરો, ગવર્મેન્ટના વિઝિટરો, આવા આવા પરદેશીઓને અમેરિકામાં પ્રવેશવા અને ત્યાં રહેવા માટે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ‘જે-1’ ઘડવામાં આવ્યા છે.
જે પ્રકારના કાર્ય માટે, જે પ્રકારની તાલીમ માટે તેઓ અમેરિકામાં પ્રવેશવા ઈચ્છતા હોય એ માટે જેટલો સમય નક્કી કરવામાં આવ્યો હોય એટલો સમય આ ‘જે-1’ વિઝાધારકોને અમેરિકામાં રહેવા માટે આપવામાં આવે છે, જેમ કે ટીચરો, પ્રોફેસરો, સંશોધનકારો, ખાસ આવડતવાળી વ્યક્તિઓને અમેરિકામાં ‘જે-1’ વિઝા ઉપર રહેવા માટે ત્રણ વર્ષનો સમય આપવામાં આવે છે. પરદેશી મેડિકલ ગ્રેજ્યુએટો એટલે ડોક્ટરોને અમેરિકામાં ‘જે-1’ વિઝા ઉપર સાત વર્ષ રહેવાનો સમય આપવામાં આવે છે. આમ જુદી જુદી લાયકાતો ધરાવવાવાળાઓ માટે અમેરિકામાં રહેવાનો જુદો જુદો સમય નક્કી કરવામાં આવ્યો છે.
‘જે-1’ વિઝાની એક ખાસિયત છે, એ જ્યારે આપવામાં આવે છે ત્યારે એવી શરત મૂકવામાં આવે છે કે તમારો ‘જે-1’ વિઝાનો સમય પૂરો થાય ત્યાર બાદ તમારે તમારા દેશમાં પાછા જઈને બે વર્ષ સુધી અમેરિકામાં પાછા ન આવવું. એમને કોઈ પણ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ યા ઈમિગ્રન્ટ વિઝા ઉપર બે વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશ આપવામાં નથી આવતો. એની પાછળનો હેતુ એ હોય છે કે જે શિક્ષણ, જે તાલીમ, જે અનુભવ એ પરદેશીએ અમેરિકામાં મેળવ્યો હોય છે એનો લાભ એને પોતાને દેશને આપવો જોઈએ, કારણ કે ‘જે-1’ વિઝામાં જે અમેરિકામાં રહેવાનો અને અન્ય ખર્ચાઓ થાય છે એ માટે અમેરિકાની સરકાર તેમ જ જે-તે દેશની સરકાર સરખા ભાગે એ ખર્ચો ઉપાડે છે. ભારતીય ડોક્ટરો અને અન્ય પ્રકારના ભણેલાગણેલા સંશોધનકારો, જેઓ ‘જે-1’ વિઝા ઉપર અમેરિકામાં હોય છે તેઓ એમનો ‘જે-1’ વિઝા ઉપર ત્યાં રહેવાનો સમય પૂરો થવા આવે ત્યારે ભારતની સરકારને તેમ જ અમેરિકાની સરકારને વિનંતી કરતા હોય છે કે એમણે આ બે વર્ષની સ્વદેશમાં રહેવાની અને અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર ન પ્રવેશવાની શરત છે એમાંથી મુક્તિ આપે. અમેરિકા ડોક્ટરોને એવી શરતે મુક્તિ આપતું હતું કે એમણે એ બે વર્ષના સમય દરમિયાન અમેરિકાના પછાત પ્રદેશમાં, ગામડામાં જઈને પ્રેક્ટિસ કરવી. ભારતીય સરકાર પણ આ બે વર્ષના હોમ રેસિડેન્સી રિક્વાર્યમેન્ટના નિયમમાંથી મુક્તિ આપતી હતી. પછીથી એમણે એવું ઠરાવ્યું કે ડોક્ટરોને આવી મુક્તિ ન આપવી. આમ ‘જે-1’ વિઝા ઉપર અમુક પ્રકારનું શિક્ષણ અને જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ, અમુક વ્યવસાયમાં ગૂંથાયેલ વ્યક્તિઓ અમેરિકામાં અમુક વર્ષો રહી અને કામ કરી શકે છે.
- Advertisement -
અમેરિકાની સરકારે 9મી ડિસેમ્બર, 2024ના રોજ ‘જે-1’ વિઝા આપતાંં તેઓ જે ટુ યર હોમ રેસિડેન્સી રિક્વાર્યમેન્ટની શરત મૂકતા હતા એ 34 દેશની વ્યક્તિઓ માટે લાગુ ન પડે એવી જાહેરાત કરી છે. આ 34 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે જે કોઈ પણ ભારતીય વ્યક્તિ અમેરિકામાં ‘જે-1’ વિઝા ઉપર પ્રવેશેલી હોય અને કાર્ય કરતી હોય એણે એના ‘જે-1’ વિઝાની મુદત પૂરી થતાં ફરી પાછા સ્વદેશમાં, ભારતમાં આવવાની અને બે વર્ષ ફરજિયાત સ્વદેશમાં કામ કરવાની જરૂરિયાત નહીં રહે. તેઓ એમનો અમેરિકાનો વસવાટ એમના માટે કાયદેસરની જે છૂટ હોય એ દ્વારા લંબાવી શકશે યા કાયમનો કરી શકશે.
આ પ્રકારની જાહેરાત કે 34 દેશના ભણેલાગણેલા, સંશોધનકારો, સાયન્સટિસ્ટો, ડોક્ટરો અને અન્યો જેઓ ‘જે-1’ વિઝા ઉપર અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે એમણે એમનો સમય પૂરો થતાં સ્વદેશ ફરજિયાત પાછા જવું નહીં પડે. એ દર્શાવી આપે છે કે અમેરિકાને આવી વ્યક્તિઓની ખૂબ જ જરૂર છે. આથી જ એમણે પોતાના ફાયદા માટે પરદેશી ભણેલીગણેલી વ્યક્તિઓને આવી છૂટ આપી છે. આનો લાભ અમેરિકાને પુષ્કળ થશે. સાથે સાથે જે કોઈ પણ આ 34 દેશોમાંની વ્યક્તિઓ અમેરિકામાં ‘જે-1’ વિઝા ઉપર રહેતી હોય તેઓ જો ઈચ્છે તો એમનો અમેરિકાનો વસવાટ લંબાવી શકશે. કાયમનો પણ કરી શકશે.
અમેરિકાને ખરેખર ભણેલીગણેલી, હોશિયાર વ્યક્તિઓની ખૂબ જ જરૂર છે. આ કારણસર જ એમણે ‘જે-1’ વિઝાનો ટુ યર હોમ રેસિડેન્સી રિક્વાર્યમેન્ટનો નિયમ 34 દેશોના વતનીઓ માટે રદ કર્યો છે. વર્ષ 2023માં ત્રણ લાખથી વધુ પરદેશીઓને અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ ‘જે-1’ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ આપ્યો હતો. આમાંના લગભગ 27,700 જેટલી વ્યક્તિઓ ભારતીય હતી. એ સૌને હવે એમને ‘જે-1’ વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટેનો જે સમય ફાળવવામાં આવ્યો હશે એ પૂરો થતાં ભારત પાછા ફરવું નહીં પડે. ભારતમાં બે વર્ષ ફરજિયાત રહેવું તેમ જ કામ કરવું નહીં પડે. તેઓ એમનો અમેરિકામાં રહેવાનો સમય લંબાવી શકશે અને જો સગવડ હોય તો કાયદેસર અમેરિકાનું નાગરિકત્વ પણ પામી શકશે.
અમેરિકાના આગામી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ આવતા વર્ષે 20મી જાન્યુઆરી, 2025ના બીજી વાર અમેરિકાના પ્રમુખનું પદ ગ્રહણ કરશે તેઓ આ છૂટ, જે એમણે પ્રેસિડન્ટ પદ સંભાળશે એના થોડા દિવસો પહેલાં જ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જાહેર કરી છે એનો સ્વીકાર કરશે?