અન્ય ગંભીર રોગ ધરાવતા વૃદ્ધો-યુવાવર્ગ તથા ફ્રંટલાઈન વર્કરને આવરી લેવા ડબલ્યુએચઓનું સૂચન
ભારતમાં કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે અને સરકાર આગોતરા પગલા લેવા માંડી છે જયારે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ વધુ જોખમ ધરાવતા લોકોને રસીનો વધુ એક ડોઝ આપવાનું સૂચવ્યુ છે. છેલ્લો ડોઝ લીધાના છ થી બાર મહિનામાં વધારાનો ડોઝ આપવાની ભલામણ કરી છે.
- Advertisement -
વિશ્વ આરોગ્ય સંગઠના રસીકરણ નિષ્ણાંતોના વ્યુહાત્મક સલાહકાર ગ્રુપ દ્વારા કરાયેલી ભલામણ પ્રમાણે અન્ય ગંભીર રોગ ધરાવતા વૃદ્ધો તથા યુવા વયસ્કો ઉપરાંત કોરોના રસીકરણ-દર્દીઓની સારવારમાં સામેલ ફ્રંટલાઈન આરોગ્ય કર્મચારીઓને વધુ એક બુસ્ટર ડોઝ આપવાનું સલાહભર્યુ છે.
આ વર્ગના લોકો કોરોના સંક્રમીત થવાના સંજોગોમાં ગંભીર હાલત સર્જાવાનું જોખમ રહે છે. મધ્યમ જોખમ શ્રેણીમાં આવતા લોકોને માત્ર એક બુસ્ટર ડોઝ પર્યાપ્ત હોવાનું માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. વધારાનો બુસ્ટર ડોઝ પણ સુરક્ષિત હોવા છતાં તે આપવાની ભલામણ ન હોવાનું સ્પષ્ટ કરાયુ છે. 6 માસથી 17 વર્ષના તંદુરસ્ત બાળકોને સામાન્ય પ્રાયોરીટી ગ્રુપમાં મુકવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,994 કેસ મળ્યાં, 5 રાજ્યોમાં 9નાં મોત, રિકવરી રેટ 98.77% થયો
ભારતમાં શનિવારે ગત 24 કલાકમાં કોરોનાના 2,994 નવા કેસ સામે આવ્યા. તેની સાથે હવે સક્રિય કેસ 16,354 થઈ ગયા છે. શુક્રવારે ભારતમાં કોરોનાના 3,095 કેસ સામે આવ્યા હતા. તાજેતરના સંક્રમણના કેસ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસ 4.47 કરોડ થઈ ગયા છે. અપડેટ કરાયેલા આંકડાઓ સાથે 9 મૃત્યુ ઉમેરાતા મૃત્યુની સંખ્યા હવે વધીને 5,30,876 થઈ ગઈ છે.
- Advertisement -
માહિતી અનુસાર દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં 2-2 , ગુજરાતમાં 1 અને કેરળમાં 2 લોકો કોરોના સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા હતા. જો કુલ કેસ સાથે તુલના કરવામાં આવે તો એક્ટિવ કેસ માત્ર 0.04 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર કોરોનાનો રિકવરી રેટ 98.77 ટકા થઈ ગયો છે. જ્યારે દરરોજનો પોઝિટિવિટી રેટ 2.09 ટકા અને અઠવાડિક પોઝિટિવિટી રેટ 2.03 ટકા નોંધાયો છે. સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,71,551 થઈ ગઈ છે.