સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આડેહાથ લેતા ભાઈશ્રી
મોરબી ખાતે ભાગવત કથામાં સ્વામિનારાયણ સંતોની હાજરીમાં જ રમેશ ઓઝાએ ઉકળાટ ઠાલવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના દેવાધિદેવ મહાદેવ અંગેના વિવાદિત નિવેદનને લઇને એક બાદ એક હિંદુ ધર્મના સાધુઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની હાજરીમાં જ વ્યાસપીઠ ઉપરથી ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ આવું બોલનારા સાધુઓ સામે ઉકળાટ ઠાલવ્યો હતો અને તેમણે દેવાધિદેવ મહાદેવને પગે લગાડે તેને પ્રબોધ કેમ કહેવો તેમ કહીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે રોષ ઠાલવ્યો હતો.
મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજીત અને કોરોનાના દિવંગતોના મોક્ષાર્થે ચાલી રહેલા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના બીજા દિવસે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ શિવજી વિષે ઘસાતું બોલનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને આડેહાથ લીધા હતા. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, ભોળાનાથનો મહિમા ન સમજે એની બુદ્ધિ ઉપર તરસ ખાઓ, દેવાધિદેવ મહાદેવને પગે લગાડે એને પ્રબોધ કેમ કહેવો ? આ તકે તેમણે તુલસીદાસે કરેલી પ્રબોધ વિશેની સમજણ પણ વર્ણવી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વ્યાસપીઠ કોઈના ઉપર કોગળા કરવા માટે નથી, વ્યાસપીઠ ઉપર બેસનારો ખુબ વિવેકથી બોલે અને જે બોલવા જેવું જરૂરી હોય તે બોલે જ.
તેમણે કહ્યું હતું કે મને કોઈ રાગદ્વેષ નથી, ખૂબ સદભાવ સાથે કહું છું બાપા જાળવ્યા જાવ, જો આ સાધુઓ વિફર્યા તો.. આ દશનામ સાધુઓને અની કહેવામાં આવે છે, અની એટલે કે સેના. બીજાને હીણા ચિતરવાનો પ્રયાસ, સાહસ, દુસ્સાહસ ના કરો. બીજાને હેઠા ચીતરીને મહિમા વધારવાની આ નબળાઈ હોવાનું જણાવી તેમણે કથા સ્થળે ઉપસ્થિત સ્વામિનારાયણ સાધુઓને કહ્યું હતું કે, હું પ્રાર્થના કરું છું, આપની ઉપસ્થિતિ આનંદદાયક છે. આપ સાથે મળી આ બધું રોકો, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો મહત્વનો સંપ્રદાય છે, એટલે આ બધુ રોકો એમ જણાવી તેમણે વિવાદિત ટીપ્પણી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.