BAOUમાં નવા સાત કોર્સ સાથે 80થી વધારે અભ્યાસક્રમોમાં પ્રવેશની તક
BAOUમાં શરૂ થયા છે સાત નવા અભ્યાસક્રમો, સરકારી નોકરી માટે જરૂરી CCCમાં પ્રવેશ પણ મેળવી શકાય છે
ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધાથી કોઈ પણ યુનિવર્સિટીમાં અધૂરો રહેલો અભ્યાસ તમે પૂર્ણ કરીને ડિગ્રી મેળવી શકો છો
ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધાથી કોઈ પણ યુનિવર્સિટીમાં અધૂરો રહેલો અભ્યાસ તમે પૂર્ણ કરીને ડિગ્રી મેળવી શકો છો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા હાલમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. આમ, BAOUમાં પ્રવેશ માટે એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિશ્રી પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વ અને પ્રયાસોને પરિણામે છેલ્લાં અઢી વર્ષમાં અનેક નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ઘરે બેઠાં તથા તમારી નોકરી, વ્યવસાય કે પછી અન્ય અભ્યાસની સાથે સાથે અભ્યાસ કરવાની તક આપતી આ ઓપન યુનિવર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ, કોમ્પ્યૂટર, મેનેજમેન્ટના વિષયો ઉપરાંત યોગ, ફેશન ડિઝાઇનિંગ, જર્નલિઝમ, સોશિયલ વર્કથી લઈને સાઇબર સિક્યુરિટી સુધીના અનેક વિષયમાં સર્ટિફિકેટથી લઈને પીએચ.ડી. સુધીના 80થી વધારે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો. વધુ માહિતી તથા ઓનલાઇન એડમિશન માટે તમે BAOUની અધિકૃત વેબસાઇટ www.baou.edu.in- ની મુલાકાત લઈ શકો છો. એડમિશન અંગે વધુ જાણકારી માટે તમે યુનિવર્સિટીનાં છ પ્રાદેશિક કેન્દ્રો (રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, ભૂજ અને છોટા ઉદેપુર) તથા રાજ્યભરમાં ફેલાયેલા 250થી વધારે અભ્યાસકેન્દ્રોની મુલાકાત લઈ શકો છો.
- Advertisement -
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને અનેક નવા અભ્યાસક્રમો શરૂ કરવા ઉપરાંત યુનિવર્સિટીએ અનેક એવી નીતિઓને અમલમાં મૂકી છે, જેને કારણે રાજ્યભરના લોકો માટે ઉચ્ચ અભ્યાસનું સપનું વધારે સરળ બની શક્યું છે. ક્રેડિટ ટ્રાન્સફર જેવી નીતિને કારણે તમે તમારો અધૂરો છૂટી ગયેલો અભ્યાસ પણ પૂરો કરી શકો છો. સરકારી નોકરી માટે તથા સરકારના વર્તમાન કર્મચારીઓ માટે જરૂરી સીસીસી અભ્યાસક્રમો પણ ઇઅઘઞમાં ચાલી રહ્યા છે, જેમાં તમે પ્રવેશ મેળવી શકો છો.
જુલાઈ-21ના સત્રથી જ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને યુજીસી તરફથી નવા સાત અભ્યાસક્રમો માટે મંજૂરી મળી ચૂકી છે. આ નવા અભ્યાસક્રમોમાં ચાર માસ્ટર ડિગ્રીના કોર્સીસ છે તો બે ગ્રેજ્યુએશન સ્તરના કોર્સીસ છે અને એક સર્ટિફિકેટ કોર્સ છે. નવા શરૂ થયેલા અભ્યાસક્રમોમાં – માસ્ટર ઑફ કોમર્સ (M.Com.), માસ્ટર ઑફ આર્ટ્સ ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન(MA-JMC), માસ્ટર ઑફ સાયન્સ – ઇન્ફર્મેશન ટેક્નોલોજી (M.Sc.IT), માસ્ટર ઑફ સાયન્સ – સાઇબર સિક્યોરિટી (M.sc.-CS), બેચલર ઑફ સાયન્સ (ઓનર્સ) – ઇન્ફર્મેશન ટેક્નોલોજી (B.Sc.(Hons)IT), બેચલર ઑફ સોશિયલ વર્ક (BSW) અને સર્ટિફિકેટ ઇન ઇન્ડિયન પોએટિક્સનો સમાવેશ થાય છે.
- Advertisement -
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અગાઉ જુલાઈ, 2020માં ત્રણ સર્ટિફિકેટ કોર્સ, પાંચ ડિપ્લોમા કોર્સ, ચાર બેચલર કોર્સ, એક માસ્ટર કોર્સ ઉપરાંત આઠ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કમ્પ્યૂટર એપ્લિકેશન, જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન, ફેશન ડિઝાઇનિંગ, ઓડિયો એન્ડ વિડિયો ટેક્નોલોજી, મલ્ટિમીડિયા એન્ડ એનિમેશન, સાઇબર સિક્યુરિટી, મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, સાઇબર લો, હ્યુમન રિસોર્સ, સોશિયલ વર્ક, માર્કેટિંગ, ફાઇનાન્સ વગેરે વિષયના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.