ગુજરાત સરકારે બહાર પાડ્યો પરિપત્ર
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.12
- Advertisement -
તાજેતરમાં ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં જો કોઇ હિંદુ વ્યક્તિ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માંગે તો તેણે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી જ પડશે અને મંજૂરી વગર ધર્મ પરિવર્તન કરી શકાશે નહીં.
ગત 8 એપ્રિલ, 2024ના રોજ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે, જાણવા મળ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 અને તે હેઠળના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય નિયમો, 2008નું મનઘડંત અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જે અનુસાર, અરજદારોની હિંદુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવા મંજૂરી આપવા માટેની અરજી પર નિયમાનુસાર કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
પરિપત્રમાં જણાવાયું કે, અમુક વખત અરજદારો અને સ્વાયત્ત સંસ્થાઓ તરફથી હિંદુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કોઇ પૂર્વમંજૂરી જરૂરી નથી, તે પ્રકારની રજૂઆત કરવામાં આવે છે. જ્યારે અમુક કેસમાં મંજૂરીની દરખાસ્ત કરવામાં આવે તો બંધારણના આર્ટિકલ 25(2) અનુસાર શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો સમાવેશ હિંદુમાં થતો હોવાનું અર્થઘટન કરીને ધર્મપરિવર્તન માટેની આવી અરજીઓ દફતરે કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
- Advertisement -
આગળ જણાવવામાં આવ્યું કે, ધર્મપરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દા મામલે જો કાયદાકીય જોગવાઈઓનો પૂરતો અભ્યાસ કરવામાં ન આવે અને અરજદારોને આમ જ પ્રત્યુત્તર પાઠવવામાં આવે તો તે ન્યાયિક લિટિગેશનમાં પરિણમે તેની સંભાવના છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના સંદર્ભમાં બૌદ્ધ એક અલગ ધર્મ ગણવાનો રહેશે, જેથી હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જો ધર્મ પરિવર્તન કરવું હશે તો જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવાની રહેશે. ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટે આ અરજી પર અરજદારને પ્રત્યુત્તર પાઠવતાં પહેલાં કાયદાકીય જોગવાઈઓનો પૂરતો અભ્યાસ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો રહેશે. નોંધનીય છે કે સરકારના જણાવ્યા અનુસાર, આ નિયમ બૌદ્ધ ધર્મ સિવાય શીખ અને જૈન ધર્મ માટે પણ લાગુ પડશે.
પરિપત્ર ગૃહ વિભાગના ઉપ-સચિવ વિજય બધેકાએ જાહેર કર્યો છે. ઑપઇન્ડિયા પાસે તેની નકલ ઉપલબ્ધ છે. નોંધનીય છે કે બળજબરીથી કે લોભ-લાલચથી થતાં ધર્માંતરણ રોકવા માટે ગુજરાત સરકારે 2003માં આ કાયદો લાગુ કર્યો હતો. ત્યારબાદ 2021માં વિજય રૂપાણી સરકારે તેમાં સંશોધન કરીને લવ-જેહાદને રોકવા માટે નવી જોગવાઈ કરી હતી, જે અનુસાર લગ્નની લોભ-લાલચ આપીને બળજબરીથી થતાં ધર્માંતરણને પણ ગુનાની વ્યાખ્યામાં મૂક્યાં હતાં.