-જાહેર-ખાનગી સ્થળોએ ગુજરાતી ભાષાના ઉપયોગ મામલે રીટમાં વડીઅદાલતે નિકાલ કર્યો
સરકારી કચેરીઓ, ખાનગી અને જાહેર સ્થળોએ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવાની દાદ માંગતી જાહેર હિતની અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરુદ્ધ પી. માયીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, ‘આ મામલે એક ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને ખાનગી સ્થળોએ માતૃભાષાના વપરાશ મુદે લોકોને વધુ સંવેદનશીલ અને જાગૃત બનાવવાની જરૂર છે. ફરજિયાતપણે તેમને માતૃભાષાના ઉપયોગની ફરજ પાડી શકાય નહીં, પરંતુ માતૃભાષાના ઘણા બધા લાભ વિશે પણ તેમને સમજણ આપવી પડે.’
- Advertisement -
આ કેસની સુનાવણી દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે, રાજય સરકારનો એક પરિપત્ર છે અને તે પરિપત્ર મુજબ સરકારી, જાહેર અને ખાનગી સ્થળોએ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવાની તાકીદ કરવામાં આવી છે. જો કે, આ પરિપત્રનો સાચા અર્થમાં ઉપયોગ ન થતો હોવાની રજુઆત સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી અને એવી માંગ કરવામાં આવી હતી કે આ પરિપત્રનો અમલ કરાવવાનો સરકારને આદેશ કરવામાં આવે.
આ કેસની સુનાવણીમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે એવી ટકોર કરી હતી કે, ‘સરકારી સ્થળોએ તો ગુજરાતી ભાષાનો ઉપયોગ મોટાભાગે થઈ જ રહ્યો છે, પરંતુ મોલ, મલ્ટીપ્લેકસ, હોસ્પીટલ જેવા ખાનગી સ્થળોએ પણ ગુજરાતીના વપરાશનો આ પરિપત્ર છે, તેથી આ મામલે એક ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને તેમને માતૃભાષા મુદે વધુ સંવેદનશીલ અને જાગૃતૂ બનાવવાની જરૂર છે. આવા મામલે આદેશથી કામ ન ચાલે, ખાનગી સ્થળોના સંચાલકો અને નાગરિકોને સંવેદનશીલ બનાવવા પડે. જાહેર મીટીંગ, સ્લોગન્સ બનાવવા પડે અને એવી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે.
ફરજીયાતપણે કોઈને માતૃભાષાના ઉપયોગની ફરજ પાડી શકાય નહીં, પરંતુ માતૃભાષાના ઘણા બધા લાભ વિશે પણ તેમને સમજણ આપવી પડે. ખાનગી વ્યક્તિઓને કોર્ટ આદેશ કરી શકે નહીં.’ ત્યારબાદ હાઈકોર્ટે રાજય સરકારને આ પરિપત્રનો સાચા અર્થમાં અમલ થાય એ સુનિશ્ચિત કરવાનો આદેશ કરી રિટનો નિકાલ કર્યો છે.
- Advertisement -
હવે તો હું પણ ગુજરાતી વાંચી શકું છું: ચીફ જસ્ટીસ
કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે એવી હળવી ટકોર કરી હતી કે, ‘અમદાવાદની મુલાકાત દરમિયાન મને ઘણી જગ્યાએ ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો જોવા મળ્યો છે. ખાસ કરીને સાઈન બોર્ડ વગેરે પર ગુજરાતીનો ઉપયોગ થાય છે. હવે હું પણ ગુજરાતી વાંચી શકું છું એટલે ખબર પડી જાય છે.’