ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડે કહ્યું કે, પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ (PIJ)ના ખતરાને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
ઈઝરાયલે ફરી ગાઝા પર હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જોકે મૃતકોમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથનો ટોચનો કમાન્ડર પણ છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલના હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડે કહ્યું છે કે, પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ (PIJ)ના ખતરાને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં PIJ સભ્યની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
PIJએ 100થી વધારે રૉકેટ છોડ્યા
આ તરફ ઈઝરાયેલના હુમલાના જવાબમાં પીઆઈજેએ ઈઝરાયેલ પર ઓછામાં ઓછા 100 રોકેટ છોડ્યા છે. જેમાં મોટાભાગના રોકેટને ઇઝરાયેલ દ્વારા તેની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમ દ્વારા અધવચ્ચે જ નષ્ટ કરવામાં આવ્યા હતા. આ તરફ ઇઝરાયેલના ઘણા શહેરોમાં સાયરન સંભળાયા. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું છે કે, શુક્રવારે મોડી સાંજે પણ હુમલા કરવામાં આવ્યા હતા અને ઉગ્રવાદીઓના ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા હતા.
- Advertisement -
શું કહ્યું ઇઝરાયેલના વડાપ્રધાને ?
સમગ્ર મામલે ઇઝરાયેલના વડાપ્રધાન લેપિડે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલે આતંકવાદ વિરુદ્ધ જોરદાર અભિયાન શરૂ કર્યું છે. જો આવું નહીં કરતાં તો ટૂંક સમયમાં આપણા દેશમાં મોટી મુસીબત આવી જાત. IDFએ કહ્યું છે કે, હુમલામાં પ્રભાવિત વિસ્તારો PIJ સાથે જોડાયેલા છે. આમાં ગાઝામાં પેલેસ્ટિનિયન ટાવરનો સમાવેશ થાય છે. આ ઈમારતમાં જબરદસ્ત વિસ્ફોટ થયો હતો અને ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા હતા.
આ તરફ પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે. ઇઝરાયેલના હુમલામાં તૈસીર જબારી સહિત PIJના ચાર સભ્યો માર્યા ગયા હતા. આ સિવાય મૃતકોમાં પાંચ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે ઈઝરાયેલના હુમલામાં અન્ય 55 લોકો ઘાયલ પણ થયા છે. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, IDFનો અંદાજ છે કે, 15 આતંકવાદીઓ માર્યા ગયા છે.
તો વળી ઈરાનની રાજધાની તેહરાનની મુલાકાતે આવેલા પીઆઈજેના જનરલ સેક્રેટરી ઝિયાદ અલ-નખાલાએ કહ્યું છે કે, અમે ઈઝરાયેલના આક્રમણનો જડબાતોડ જવાબ આપીશું. આ યુદ્ધમાં જીત આપણા લોકોની જ થશે. આ સંઘર્ષમાં કોઈ લાલ રેખા નથી. તેલ અવીવ પણ આપણા રોકેટના નિયંત્રણમાં છે. ગાઝાનું વહીવટીતંત્ર હમાસ સાથે છે અને તેણે કહ્યું છે કે, સશસ્ત્ર જૂથો એક છે અને ચૂપ રહેશે નહીં. સોમવારે રાત્રે ઇઝરાયેલે બસેમ સાદી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમને વેસ્ટ બેન્ક પીઆઈજેના વડા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.