ઈઝરાયેલ નથી ઈચ્છતું કે, સીરિયાના રાસાયણિક હથિયારો વિદ્રોહીઓના હાથમાં આવે
ઈઝરાયેલે સીરિયાના હથિયાર ડેપો સહિત અન્ય સૈન્ય સંપતિને નિશાન બનાવી: ત્રણ મુખ્ય એરબેઝ પર બોમ્બમારો : ડઝનબંધ યુદ્ધ વિમાનો – હેલિકોપ્ટર તબાહ : સીરિયામાં નવી સ્થિતિના નિર્માણ બાદ અમારી સુરક્ષા નિશ્ચિત કરવા દરેક જરૂરી પગલા લેશું : નેતાનયાહૂ
- Advertisement -
વિદ્રોહીઓ સામેની લડાઈ દરમિયાન સીરિયાના રાષ્ટ્રપતિ અસદે રશિયામાં ઉચાળા ભર્યા બાદ સીરિયામાં વિદ્રોહીએ કબજો જમાવતા હવે ઈઝરાયેલે સીરિયાના અલગ અલગ વિસ્તારોમાં હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયેલનું કહેવું છે કે, તેણે સીરિયાના હથિયાર ડેપો સહિત અન્ય સૈન્ય સંપતિઓને નિશાન બનાવી છે. આનું કારણ એ છે કે ઈઝરાયેલ નથી ઈચ્છતું કે આ હથિયારો સીરિયાના વિદ્રોહીઓના હાથમાં આવે. ઈઝરાયેલએ સીરિયાઈ નૌસૈનિકોના ઠેકાણાઓને પણ તબાહ કરી દીધું છે. ઈઝરાયેલના બોમ્બમારામાં સીરિયાના ડઝનબંધ હેલિકોપ્ટર અને જેટ વિમાનને નુકસાન પહોંચ્યું હતું.
ઈઝરાયેલે જણાવ્યું હતું કે, તે સીરિયાના રાસાયણીક હથિયારો નષ્ટ કરી નાખશે. ઈઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ સીરિયાના ઉન્નત હથિયાર ભંડારો પર હવાઈ હુમલા વધારશે અને જમીન પર સીમીત સૈન્યની હાજરી જાળવી રાખશે જેથી બશર અલ અસદના તખ્તાપલટ બાદ પેદા થનાર કોઈપણ ખતરાને રોકી શકાય. બીજી બાજુ ઈઝરાયેલી વડાપ્રધાન નેતાનયાહુએ પોતાના કાર્યાલયમાં મોડીરાત્રે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે સીરિયામાં નવી સ્થિતિ બાદ અમારી સુરક્ષા નિશ્ર્ચિત કરવા માટે બધા જરૂરી પગલાં ઉઠાવશું.
ઈઝરાયેલી રક્ષા મંત્રી કેટઝએ જણાવ્યું હતું કે સેનાપુરા સીરિયામાં ભારે રણનીતિક હથિયારોને નષ્ટ કરશે. સપાટીથી વાર કરનારી મિસાઈલો, ક્રુઝ મિસાઈઓ, લાંબા અંતરના રોકેટ નષ્ટ કરી નખાશે. એક વરિષ્ઠ ઈઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ સીરિયા પર હવાઈ હુમલા ચાલુ રહેશે. ઈઝરાયેલના વિદેશમંત્રી ગિદોને જણાવ્યું હતું કે ઈઝરાયેલને સીરીયાના આંતરિક મામલામાં રસ નથી. તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે ચિંતીત છે.
- Advertisement -
ઈઝરાયેલના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે સીરિયાના ખતરનાક હથિયાર ઉગ્રવાદી વિદ્રોહીઓના હાથમાં ન આવે. દરમિયાન ઈઝરાયેલની સેનાએ ગોલાન હાઈટસ પર સીરિયાની સીમા પર સામેલ બારુદી સુરંગને હટાવી દીધી છે. આ ઉપરાંત સીરિયાના બફર ઝોનમાં ઈઝરાયેલની સેના ઘુસી ચૂકી છે.