પાકિસ્તાન અને તાલિબાન આતરા દિવસે એકબીજા પર હુમલા કરે છે
વિશ્વના ઘણા ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે વધુ એક જંગના ભણકારા વાગી રહ્યા છે. જેની ચિનગારી છેલ્લા ઘણા દિવસોથી સળગી રહી છે. પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વાત કરી રહ્યા છીએ જ્યાં હાલમાં તણાવ ચરમ પર છે.
- Advertisement -
મંગળવારે જ્યારે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો ત્યારે આ સ્થિતિ વધુ વણસી ગઈ. આ હવાઈ હુમલામાં 46 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પરંતુ આ હુમલા બાદ તાલિબાને હવે પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તાલિબાને કહ્યું છે કે તે ચોક્કસપણે આનો બદલો લેશે.
પહેલા જાણો મામલો શું છે
પાકિસ્તાન અને તાલિબાન દ્વારા એકબીજા પર આંતરા દિવસે હુમલા કરવામાં આવે છે. પરંતુ મંગળવારે પાકિસ્તાને મોટો હવાઈ હુમલો કર્યો. બર્મલ જિલ્લામાં આ હુમલામાં અનેક મકાનો ધરાશાયી થયા છે. તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે પણ કહ્યું છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. તેણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા 4 સ્થળોએ આ હુમલા કરવામાં આવ્યા છે.
- Advertisement -
તાલિબાને ખુલ્લો પડકાર આપ્યો
પાકિસ્તાનના આ હુમલા બાદ તાલિબાને હવે ખુલ્લો પડકાર ફેંક્યો છે. તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાને બર્બર ગણાવ્યો અને કહ્યું કે પાકિસ્તાને સમજવું જોઈએ કે આ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. ઈસ્લામિક અમીરાત આ ક્રૂર કાર્યવાહીનો જવાબ આપશે. પોતાની જમીન અને વિસ્તારની રક્ષા કરવાને તે પોતાનો અધિકાર માને છે. અમે ચોક્કસપણે આનો બદલો લઈશું.
આ પહેલા પણ પાકિસ્તાને હુમલો કર્યો છે
જોકે આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં આ પ્રકારની બમબારી કરી હોય. આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાને પક્તિકા અને સાપર જિલ્લામાં બોમ્બમારો કર્યો હતો. તેની પહેલા પાકિસ્તાને ઈરાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં બીએલએના ઘણા આતંકવાદીઓને માર્યા છે.
સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો પ્રભાવ વધ્યો છે. ટીટીપી પાકિસ્તાન પર અનેક વખત હુમલા કરી ચૂક્યું છે. આ હુમલામાં અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. સામાન્ય નાગરિકોને નુકસાન થયું છે. પાકિસ્તાનનો દાવો છે કે આ એયરસ્ટ્રાઇકમાં ટીટીપીના ઘણા બળવાખોરો માર્યા ગયા છે.