સિંગલ સ્ક્રીન મલ્ટી ફિલ્મ ટોકીઝ ગેલેક્સી મલ્ટીપ્લેક્સ બને તેવી શક્યતા
ફિલ્મને ફિલ કરાવતી ટોકીઝ ગેલેક્સીને નવા રૂપરંગ મળશે?
- Advertisement -
ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની સિનેમેટીક આન, બાન અને શાન. મલ્ટીપ્લેક્સ અને ચોવીસ કલાક સિનેમા ચેનલ્સના યુગમાં સિંગલ સ્ક્રીન થિયેટરને તાળાઓ લાગવાનો સીલસીલો વણથંભ્યો છે ત્યારે વન સ્ક્રીન સિનેમા ગેલેક્સી ટોકીઝ દર્શકોના દિલફાડ પ્રેમની બદોલત છેલ્લાં પાંચ દસકોથી શ્રેષ્ઠ અદ્યતન ટેક્નોલોજી, એક્સલ્યુસિવ પ્રોજેક્શન-સાઉન્ડના ઈનોવેશનને કારણે દેશના ટોપ ટેન સિનેમા હાઉસમાં ગણના પામતી આવી હતી. આ વર્ષે ઓગષ્ટ મહિનામાં ગેલેક્સી ટોકીઝ બંધ થઈ ગઈ હતી અને જાણે રાજકોટમાં થિયેટરનો એક યુગ પૂરો થઈ ગયો એવું ચિત્ર ઉપસી રહ્યું હતું, ગેલેક્સી સિનેમાનો પડદો પડી ગયો કે શું? તરહતરહની ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આ તો માત્ર ગેલેક્સીનું એક ઈન્ટરવલ જ હતું! પિક્ચર અભી બાકી હૈ?
એવું કહેવાય રહ્યું છે કે, હાલમાં જ ગેલેક્સી ટોકીઝની જૂની ઈમારતને તોડી નવા જમાનાને અનુરૂપ મલ્ટીપ્લેક્સ મુવીહાઉસ બનાવવામાં આવશે. રાજકોટના સિનેમાપ્રેમીઓ અને ગેલેક્સી લવર્સને સપ્રાઈઝ ગિફ્ટ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે, વર્ષો જૂના આ થિયેટરનું રિનોવેશન કરવાની જગ્યાએ મતલબ કે તેમાં એડિટિંગ કરવાની જગ્યાએ તેનું એકડેએકથી ક્રિએશન કરવાનું, ફરીથી ગેલેક્સીને સિંગલ સ્ક્રીનની જગ્યાએ મલ્ટી સ્ક્રીન ડિરેક્શન આપવાનું માલિક રશ્મિકાંત પટેલને સૂજ્યું છે. જોકે આ અંગે આ માત્ર ચર્ચાઓ જ છે. ગેલેક્સી ટોકીઝ હંમેશા જૂની અને નવી બંને ટેકનોલોજીનું સમતુલન સાધી આગળ વધતું રહ્યું છે ત્યારે તેના અચાનક બંધ થવા પાછળ જે અફવાઓ ઉડી હતી કદાચ તેને ટૂંકસમયમાં પૂર્ણવિરામ મળશે. રાજકોટિયનોની લાગણી જેની સાથે જોડાયેલી છે એવું સિંગલ સ્ક્રીન મલ્ટી ફિલ્મ ટોકીઝ ગેલેક્સી મલ્ટીપ્લેક્સ બને તેવી સૌની માંગણી છે.
- Advertisement -
ગેલેક્સી ટોકીઝની પડદા પાછળની ઓફ સ્ક્રીન કહાની
રાજકોટની ગેલેક્સી ટોકીઝ સિનેમા શો, સાઉન્ડ ટેકનોલોજી સિવાય ભારતમાં સૌથી વધુ વર્ષ વંદે માતરમ વગાડવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે. આરંભથી લઈ આજ સુધી ગેલેક્સી ટોકીઝે વિન્ટેજ સીટિંગ લૂક અને લાર્જ સ્ક્રીન જાળવી અનેક અપગ્રેડેશન અને અવનવા ઈનોવેશન કરી પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડવામાં કશી કસર છોડી નથી ત્યારે આવો જાણીએ ગેલેક્સી ટોકીઝની પડદા પાછળની સુપર-ડુપર હીટ ઓફ સ્ક્રીન કહાની.
આજે જ્યાં રાજકોટનાં રેસકોર્ષ ગાર્ડનની સામે ગેલેક્સી ટોકીઝ આવેલી છે ત્યાં એક જમાનામાં ખેતર હતું. આજથી છ દસક પૂર્વે આ સ્થળે વાલજીભાઈ ભાલોડીયાને પોતાના પિક્ચર પ્રેમનાં પરિણામ સ્વરૂપે સિનેમા હાઉસ કરવાનું સૂઝ્યું. પિતા વાલજીભાઈએ સ્થાપેલી ગેલેક્સી ટોકીઝને દેશભરમાં અવ્વલ બનાવવાનું બીડું આગળ જતા પુત્ર રશ્મીકાંતભાઈ ભાલોડીયાએ ઝડપ્યું અને રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ભારતનાં થિયેટર જગતમાં ગેલેક્સી સિનેમાનાં ગોલ્ડન પીરીયડની સાથે સિંગલ સ્ક્રીન સિનેમા હાઉસ કલ્ચરનાં ક્રાંતિકારી યુગનો સૂર્યોદય થયો જે સિંગલ સ્ક્રીન સિનેમા હાઉસનો સૂરજ આજે મલ્ટીપ્લેકસ સિનેમા હાઉસની વચ્ચે પણ દબદબાભેર જળહળી રહ્યો છે. આ વાતની સાબિતી એ પરથી આવે કે, બાળકથી વૃદ્ધ આપણા સૌ કોઈનાં જીવનની સિનેમાને લગતી યાદગાર ક્ષણો ગેલેક્સી ટોકીઝ સાથે વણાયેલી છે. આજે પણ દરેકને પોતાની જીવનની સૌ પ્રથમ ફિલ્મ ગેલેક્સી ટોકીઝમાં જોયાનું સ્મરણ હશે.
23 ફેબ્રુઆરી 1969ના રોજ ગેલેક્સી સીનેમા રાજકોટમાં ખુલ્યું તે સમયે ગેલેક્સી રાજકોટની પાંચમી ટોકીઝ હતી અને રાજકોટની વસ્તી ચાર લાખ હતી. ત્યારથી લઈ આજ સુધી રાજકોટમાં ગેલેક્સી સિવાય ઘણી ટોકીઝ ફિલ્મોની જેમ લાગતી (શરૂ) ઉતરતી (બંધ) થતી રહી. ટોકીઝ જ નહીં રાજકોટમાં તો મલ્ટીપ્લેક્સનાં શો ફ્લોપ રહ્યાનાં ઉદાહરણ પણ છે ત્યારે ગેલેક્સી સિનેમાની ન્યુ જનરેશન રશ્મીકાંતભાઈએ ગેલેક્સી થિયેટરનો ડંકો દેશભરમાં ગુંજી ઉઠે એ માટે દેશમાં સૌ પ્રથમ વખત દરેક સમયે વહેલાં અને પહેલા વિદેશોમાંથી ટેક્નોલોજી આયાત કરી દર્શકોને ફિલ્મોનું સાચું ફન કરાવ્યું છે. રશ્મીકાંતભાઈ અને મેનેજમેન્ટ ટીમનાં પ્રત્યનોથી જ ગેલેક્સી ટોકીઝ ગુજરાતનું એકમાત્ર ‘ડોલ્બી 16 ચેનલ’ સાઉન્ડ સીસ્ટમવાળા થિયેટરની નામના અને ચાહના પણ ભોગવી ચૂક્યું છે. આથી ગેલેક્સી ટોકીઝમાં કોઈપણ ફિલ્મનું દ્રશ્ય નિહાળતી વખતી એ દ્રશ્યનો અહેસાસ થયા વિના રહેતો નથી. રશ્મીકાંતભાઈનાં ગેલેક્સી સિનેમાને ઓલ ટાઈમ હીટ બનાવવાનાં સ્વપ્ન તેમજ સતત શોધ-સંશોધનનાં કારણેગેલેક્સી ટોકીઝમાંડોલ્બી ડીઝીટલ સાઉન્ડ 7.1 ચેનલ, અલ્ટ્રા સ્ટીરીયો, ડીટીએસ, ક્રિસટી લેમ્પ, ફાઇવ પ્લેટર પ્રોજેકશન અને જે સાધનોનો ગિનેશ બુકમાં સ્થાન પામેલા છે તે બાર કો ડીપીટુકે ડરબી પ્રોજેકટર કે જે પૃથ્વી ઉપરનું સૌથી તેજસ્વી પ્રોજેકટર ગણાય છે તેમજ 43000 લ્યુમેનસ એટલે કે પ્રકાશ માપવાનું એકમ, કલર-કરેકશન કરોડો રૂપિયા ખર્ચી ગોઠવવામાં આવ્યાં છે. કારણ માત્ર એટલું કે, ગેલેક્સી ટોકીઝનાં સ્થાપક વાલજીભાઈ અને તેમનાં સંતાન એટલે કે, હાલનાં ગેલેક્સી ટોકીઝનાં સંચાલક રશ્મીકાંતભાઈ અને મેનેજેમેન્ટનું એકમાત્ર ધ્યેય ગેલેક્સી ટોકીઝને રાજકોટનું ગૌરવ બનવા સાથે શ્રેષ્ઠ મનોરંજન પીરસવાનું હતું. જ્યારે ગેલેક્સી ટોકીઝની શરૂઆત થઈ ત્યારે વાલજીભાઈએ જણાવ્યું હતું કે, ગેલેક્સી ટોકીઝ રેસકોર્ષ રોડને રાજકોટનું નરિમાન પોઈન્ટ બનાવશે અને પિતાની આ વાતને પુત્ર રશ્મીકાંતભાઈ તેમજ તેમની મેનેજમેન્ટ ટીમેં સાર્થક કરાવી બતાવી. આજે ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની રોનક, ફિલ્મીસ્તાન ગેલેક્સી ટોકીઝ..
ઈલે. એન્જી.નો અભ્યાસ કરેલાં રશ્મીકાંતભાઈનાં સંચાલનમાં ભારતમાં સૌ પ્રથમ સિનેમાઘર ક્ષેત્રે અદ્યતન વિદેશી સાઉન્ડ સિસ્ટમ લાવવાનો શ્રેય હંમેશા રાજકોટનું ગેલેક્સી ટોકીઝ લેતું આવ્યું છે. તો વળી, ગેલેક્સી ટોકીઝ થકી જ રશ્મીકાંતભાઈએ સૌ પ્રથમ કોમ્પ્યુટરાઈઝ સોફ્ટવેર ડેવલોપ કરવાની પહેલ કરી હતી. ગેલેક્સી ટોકીઝ હાઉસફુલ મનોરંજન કર ભરવાની સાથે ટેકનીકલ ક્વોલિટીમાં પણ મલ્ટીપ્લેકસથી એક કદમ આગળ રહ્યું છે. રંગીલા રાજકોટીયન હોય કે પછી રાજકોટ બહારથી પધારેલા મહેમાનો હોય દરેક પ્રેક્ષક ગેલેક્સી ટોકીઝની સીટ પર બેસી સિનેમા હાઉસનાં અવર્ણીય એટ્મોસ્ફીયરમાં ફિલ્મને ફિલ કરી છે. શ્રેષ્ઠ દ્રશ્ય અને શ્રાવ્ય સાથે સિનેમાનો સાચો અનુભવ થઈ રહે એ માટે ગેલેક્સી સિનેમાનાં દ્રષ્ટિવંત સંચાલક રશ્મીકાંતભાઈએ ગેલેક્સી ટોકીઝની સ્ક્રીનને હજુ પણ મોટી જ રાખી હતી કેમ કે, સામાન્ય રીતે હવે ઘરનાં હોમ થિયેટર સિસ્ટમમાં પણ ડોલ્બી 5.1 સાઉન્ડ સિસ્ટમ સાથે મધ્યમ કદની સ્ક્રીન હોય છે ત્યારે પિક્ચર જોવાની અસલી મજા તો ડોલ્બી 16 ચેનલ્સથી સુસજ્જ ગેલેક્સી ટોકીઝની લાર્જ સ્ક્રીન પર જ આવે.
થોડાં દસકો પાછળ જઈ જણાવું તો જ્યારે ગેલેક્સી ટોકીઝમાં 70નાં દસકમાં 70 એમએમ પર શક્તિ, કર્મા, સાગર, બદલે કી આગ, ધ બર્નિગ ટ્રેન, અલીબાબા ચાલીસ ચોર અને મિ. ઈન્ડિયા વગેરે જેવી હિન્દી ફિલ્મો તેમજ વેર ઈગલ્સ ડેર, બ્લેક હોલ, એલિયન, ટ્રોન, ટોપગન, સ્ટારવોર્સ, 7 બ્રીડર્સ ફોર 7 બ્રધર્સ (પાછળથી આ ફિલ્મ પર સત્તે પે સત્તા મુવી બન્યું) અને બેટમેન વગેરે જેવી અંગ્રેજી ફિલ્મો લાગી હતી ત્યારે બોલીવુડ-હોલીવુડનાં સેવન્ટી-એઈટીનાં એકશન અને ઈમોશન સીનેમાનાં સૂર્યોદયને પ્રેક્ષકોએ સીંગ, સોડા અને સેન્ડવિચ સાથે હાઉસફૂલ માણ્યો છે. સમય સાથે રાજશ્રી પ્રોડક્શનની તમામ પારિવારિક ફિલ્મો જ્યારે 70નાં દાયકાથી જ ગેલેક્સી ટોકીઝમાં આવતી થઈ અને 20 સદીનાં અંત ભાગ સુધીમાં ગેલેક્સી ટોકીઝ રશ્મીકાંતભાઈનાં કુશળ નેતૃત્વમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ સમી પ્રેક્ષકોની લોકપ્રિયતા પામી ચૂક્યું હતું.