ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.15 જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રિ – મેચ્યોરબાળકોના ચેકઅપની શરૂઆત કરવામાં આવી છે. જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે પીડીયાટ્રીક્સ વિભાગમાં પ્રી મેચ્યોર એટલે કે, નવ માસ કરતા પહેલા જન્મેલ બાળકોમાં આંખના પડદાની કંઈ ખામી છે કે નહીં તે જાણવા માટેની ચેકઅપની શરૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુરત દ્વારા કરવામાં આવેલ એમઓયુ અંતર્ગત વિનામૂલ્યે Retinopathy of prematurity(ROP)નું નિદાન દર મંગળવારે પીડીયાટ્રીક્સ વિભાગમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલ ખાતે ચોથા માળે એસ એન સી યુ વિભાગમાં 406 રૂમ નંબરમાં આ ચેકઅપ કરવામાં આવે છે. જો આ ચેકઅપ સમયસર કરવામાં આવે તો બાળકની દ્રષ્ટિ બચાવી શકાય છે. અત્યાર સુધીમાં કુલ 10 બાળકોનું ચેકઅપ કરવામાં આવેલ છે. જો યોગ્ય સમય પર Retinopathy of prematurityની ખબર ન પડે તથા યોગ્ય સમય પર સારવાર ન મળે તો બાળકને અંધાપો આવી શકે છે. આ નિદાન પ્રક્રિયામાં મેડિકલ સુપ્રીટેનમેન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ પીડીયાટ્રીક્સ વિભાગના ડોક્ટર કિંજલ કણસાગરા તથા એસએનસીયુ વિભાગની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.