અંતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને બ્રહ્મજ્ઞાન લાદ્યુ: સિનિયર સબ એડિટર, માહિતી મદદનીશ વર્ગ-3ની પ્રિલિમ્સ પરીક્ષાનો વિગતવાર કોર્સ જાહેર
અન્ય પરીક્ષામાં કોર્સ જાહેર થયા બાદ 3 મહિના બાદ પરીક્ષા યોજાતી હોય છે તો માહિતી વિભાગની
પરીક્ષા કેમ નહીં..?
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ ગૌણ સેવા મંડળ જાન્યુઆરીમાં પરીક્ષાનું આયોજન કરે તેવી માગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર સિલેબસ જાહેર કરતા પરીક્ષાર્થીઓમાં હાશકારો અનુભવાયો છે. માહિતી અને પ્રસારણ વિભાગ/માહિતી નિયામક કચેરી હસ્તકની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા 25 નવેમ્બર જાહેર કરવામાં આવી છે પરંતુ તેની પ્રિલિમ્સ પરીક્ષાના માત્ર ટોપિક આપ્યા હતા તેનો વિગતવાર સિલેબસ જાહેર કરાયો ન હતો જેને લઈને વિદ્યાર્થીઓએ ઝૂંબેશરૂપે ઈ મેઈલ દ્વારા વિગતવાર કોર્સ જાહેર કરે તેવી માંગ કરી હતી. જો કે, ઉમેદવારો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસે પરીક્ષાની તારીખ બદલવા માંગ પણ કરવામાં આવી છે. પ્રાથમિક પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યા વગર જ પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવતા પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. વિદ્યાર્થીઓમાં એવી પણ માંગ છે કે, આજે સિલેબસ જાહેર કર્યો છે તો પરીક્ષાની તૈયારી માટે સમય ફાળવવો જોઈએ તેથી પરીક્ષાની તારીખ બદલવા પણ માગ કરી છે. જો કે, અન્ય પરીક્ષાનો કોર્સ જાહેર થયા બાદ ગૌણ સેવા મંડળ 3 મહિના બાદ પરીક્ષા લેતી હોય છે તો માહિતી વિભાગની પરીક્ષામાં કેમ નહીં..? આજે 28 ઓક્ટોબરે કોર્સ જાહેર કર્યો છે જ્યારે પરીક્ષાની તારીખ 25 નવેમ્બર આપી છે તો વિદ્યાર્થીઓ તૈયારી કેમ કરશે તે એક સવાલ છે તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ ગૌણ સેવા મંડળ પરીક્ષા જાન્યુઆરીમાં યોજે તેવી માગ કરવામાં આવી છે. પ્રાથમિક પરીક્ષા 100 માર્કસની લેવાશે જેના માટે 1 કલાકને 40 મિનિટનો સમય અપાશે. 100 માર્કસની પરીક્ષામાં જનરલ સ્ટડીઝ, ઈતિહાસ, બંધારણ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગણિત, રિઝનીંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયોમાંથી પ્રશ્ર્નો પૂછાશે.



