આ વર્ષે 20થી30 ટકા જ કેરીનું ઉત્પાદન: હજુ પણ કેરી ઉતારવાનો પ્રારંભ થયો નથી
વંથલી પંથક બાગાયતી પાકોનું માટેનું હબ કહેવાય છે, અહીં કેસર કેરી, ચીકુ ,રાવણા સહિતનાં ફળોનું મબલખ ઉત્પાદન થાય છે. હાલ વંથલી પંથકમાં કેસર કેરીની સીઝનમાં આંબામાં સોનમાખ આવી જતા કેરીમાં સડો બેસી ગયો છે.જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. પહેલા તાઉતે વાવાઝોડામાં આંબાના બગીચાને વ્યાપક નુકશાન થયું હતું. તેમજ પ્રતિકુળ વાતાવરણ ,અસહ્ય ગરમીને કારણે માત્ર 20 થી 30 ટકા ઉત્પાદન થવાનો અંદાજ છે. ત્યારે હજુ કેરી ઉતારવાની શરૂઆત થઈ નથી ત્યાં સોનમાખ નામની જીવાતનો ઉપદ્રવ ફેલાતા કેરી આંબા પર સડીને નીચે ખરી જાય છે. આ અંગે વંથલીના ખેડૂત અદનાનભાઈ ડામરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ચાલુ વર્ષ આ પંથકમાં કેરીનો પાક ખૂબ ઓછો એટલે કે માત્ર 20 થી 30 ટકા થવાનો અંદાજ છે. હજુ તો કેરી ઉતારવાનું શરૂ પણ નથી કર્યું, ત્યાં જ સોનમાખ નામની જીવાત આવી જતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સોનમાખ કેરી પર ડંખ મારતા આ કેરી સડીને નીચે પડી જાય છે. આંબા પર દવાના બોક્સ મુકવા છતાં સોનમાખનો ઉપદ્રવ ઓછો થતો નથી. ચોમાસું બેસી જતા વરસાદને કારણે પણ કેરીના પાકને નુક્શાન જાય છે.ત્યારે આ વર્ષે ઓછું ઉત્પાદન અને સોનમાખની જીવાતને કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવશે.