વેપારમાં થતી છેતરપિંડી મામલે SITની રચના કરવા રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઔદ્યોગિક વિસ્તારમાં થતી ચોરી અને લૂંટફાટની ઘટના અટકાવવા માટે ગઈકાલે આઈજી અને જિલ્લા પોલીસ વડાને સીરામીક સહિતના જુદા જુદા ઉદ્યોગકારોએ બેઠક યોજીને રજૂઆત કરી હતી.મોરબી ખાતે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ એસપી રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સિરામિક એસોસિયેશનના હોદ્દેદારો, પેપરમીલ એસોસિયેશન, પેકેજીંગ એસોસિયેશન, મીઠા ઉદ્યોગ એસોસિયેશન તેમજ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઔદ્યોગિક વિસ્તારમાં થતી લૂંટફાટ અને ચોરીની ઘટનાને અટકાવવા ઔદ્યોગિક વિસ્તારમાં ચેકપોસ્ટ અને પેટ્રોલિંગ ચાલુ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી તેમજ પોલીસ સ્ટેશનમાં મજૂરોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પણ અનિવાર્ય હોય તે અંગે પણ રજૂઆત કરી હતી. આ સાથે જ વેપારમાં થતી વિવિધ પ્રકારના છેતરપિંડી માટે એસઆઈટીની રચના કરવા અંગે પણ ચર્ચા થઈ હતી અને માટીની ટ્રકો દ્વારા જ્યાં ત્યાં માટીના ઢગલાઓ કરવામાં આવે છે તે અટકાવવા બાબતે પણ રજૂઆતો કરવામાં આવી હતી.