માથાભારે શખ્સો દ્વારા ચાલતો ગોરખધંધો, કોઈ રોકનારું નથી-કોઈ ટોકનારું નથી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં અનેક વખત ખનીજ ચોરો બેફામ બનવાના અહેવાલો સામે આવતા રહ્યા છે. શહેર બહાર હાઈવે પર સરકારી તંત્રનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલતી હોય છે. હાલમાં જ રાજકોટ પાસે આવેલા કુવાડવા ગામથી લઈ ચોટીલા સુધી બેફામ ખનીજ ચોરી ચાલતી હોવાની જાણકારી મળી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવાથી લઈ ચોટીલા સુધી રેતીની ખનન અને ખાણ ખનીજ ચોરીના વધતા જતા બનાવો સ્થાનિક તંત્રની મિલિભગતને કારણે ચાલી રહ્યા છે કે શું તે ચર્ચાએ જોર પકડ્યું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર રોડ રસ્તા સહિત અનેક બાંધકામના કામ ચાલી રહ્યા છે. આ બાંધકામના કામોમાં ચોરી કરેલી માટીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય છે અને ખનીજ ચોરો બેફામ માટી ચોરી કરી રહ્યા છે. કુવાડવાથી લઈ ચોટીલા સુધી ધોળે દિવસે પણ હિટાચી મશીન, જેસીબી મશીન અને ડમ્પર તેમજ ટ્રક દ્વારા જમીનમાંથી કિંમતી માટી ખોદીને હેરફેર ચાલી રહી છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ પણ ઘોર નિંદ્રામાં હોય એવું જણાય આવે છે.
ખનીજ ચોરીનો ઉપયોગ કોન્ટ્રાક્ટ કંપની જ કરે છે?
રાજકોટ-અમદાવાદ હાઈવેના કુવાડવાથી લઈ ચોટીલા સુધી ધમધોકાર ચાલી રહેલી ખનીજ ચોરીનો ઉપયોગ કોન્ટ્રાક્ટ કંપનીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યો હોવાનું માલૂમ પડે છે. અહીં મોટા પ્રમાણમાં રોડરસ્તા અને પુલ બનવાનું કામ ચાલી રહ્યું છે. આ બાંધકામમાં આસપાસના વિસ્તારોમાંથી જ માટી ચોરી કરી ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાણ ખનીજ વિભાગે આ મામલે નિષ્પક્ષ તપાસ કરી કોન્ટ્રાક્ટરને પણ માટી ક્યાંથી આવી તે પૂછવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ખનીજ ચોરી અટકાવી જોઈએ.