રશિયાએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્ય બનાવવા માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે, ‘અમારૂ માનવું છે કે ભારત, બ્રાઝિલ અને આફ્રિકન દેશોને UNSCમાં કાયમી પ્રતિનિધિત્વ મળવું જોઈએ. વિશ્વની મોટી વસ્તી આ દેશોમાં રહે છે, જેમનું પ્રતિનિધિત્ત્વ સુનિશ્ચિત કરવું જરૂરી છે.’
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘સુરક્ષા પરિષદમાં ભારત, બ્રાઝિલ તેમજ આફ્રિકન દેશોને કાયમી પ્રતિનિધિત્ત્વ મળવું જોઈતું હતું. યુએનએસસીના સ્થાયી અને અસ્થાયી સભ્યોની સંખ્યા વધારવા માટે વર્ષોથી ભારત પ્રયાસોમાં મોખરે છે.’
- Advertisement -
રશિયાએ અગાઉ પણ ભારતને સમર્થન આપ્યું હતું
અગાઉ 29મી સપ્ટેમ્બરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતના દાવાને સમર્થન જાહેર કર્યું હતું. તેમમે 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં ભારતના સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો. તે દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘નિષ્પક્ષ વિશ્વ વ્યવસ્થા માટે યુએનએસસીમાં પ્રતિનિધિત્વ વિસ્તારવાની જરૂર છે.’
ભારતનું શું કહેવું છે?
- Advertisement -
ભારતનું કહેવું છે કે, ‘1945માં સ્થપાયેલી 15 દેશોની સુરક્ષા પરિષદ 21મી સદીના હેતુઓ માટે યોગ્ય નથી. તે સમકાલીન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતું નથી. ભારત માને છે કે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશને પણ સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાનો અધિકાર છે.’
આ દેશોએ ભારતના દાવાને સમર્થન આપ્યું હતું
ગયા મહિને, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર, અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને સમર્થન આપ્યું હતું. ભારત છેલ્લે 2021-22માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બન્યું હતું.