રશિયા-યુક્રેન યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરતા ભારતે UNમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ એક ગંભીર ચિંતાનો વિષય છે.’
આ વર્ષે રશિયા-યુક્રેન (Russia-Ukraine War) વચ્ચેનું યુદ્ધ 24 ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધી સતત યથાવત રીતે ચાલી રહ્યું છે. ત્યારે યુદ્ધના આટલા દિવસો વીતી ગયા બાદ પણ રશિયાનું વલણ હજુ આક્રમક છે. ત્યારે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને સમગ્ર વિશ્વ સહિત ભારતે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતે રશિયા-યુક્રેન યુદ્ધને લઇને આ લડાઇને ખતમ કરવાની માંગ કરતા કહ્યું છે કે, ‘આ પ્રકારની સ્થિતિ એ એક ગંભીર ચિંતાનો વિષય છે.’
- Advertisement -
વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UN) માં નિવેદન આપતા કહ્યું હતું કે, ‘રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ જે રીતે આગળ વધી રહ્યું છે તે પૂરા આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એક ગંભીર ચિંતાનો વિષય છે.’ તેઓએ જણાવ્યું કે, ભારત તમામ પક્ષોને તત્કાલ યુદ્ધને સમાપ્ત કરવાની વિનંતી કરે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર આપતા અનેકવાર કહ્યું છે કે, આ યુદ્ધનો યુગ ના હોઇ શકે. ભારત પોતાના તરફથી યુક્રેનને માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ સાથે આર્થિક સંકટમાં પોતાના પડોશીઓને પણ સહાય કરી રહ્યું છે.
Spoke at the UNSC briefing on Ukraine. pic.twitter.com/LZ7m8ERPmM
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 22, 2022
- Advertisement -
ભારતે કરી નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની માંગ
વિદેશ મંત્રીએ જણાવ્યું કે, તેઓ આજે સુરક્ષા પરિષદની સામે એ વાત પર જોર મૂકવા ઇચ્છે છે કે, સંધર્ષની સ્થિતિઓમાં પણ, માનવાધિકાર અથવા આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન માટે કોઈ વાજબીપણું હોઈ શકે નહીં. તેઓએ કહ્યું કે, જ્યાં આ પ્રકારની કોઇ હરકત થાય છે ત્યાં એ જરૂરી છે કે, તેઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવે. ભારતે બુચામાં થયેલી હત્યાઓ અંગે આ જ મંતવ્ય જાળવી રાખ્યું હતું. પરિષદને એ પણ યાદ હશે કે તે સમયે ભારતે બુચા કાંડની સ્વતંત્ર તપાસના આહ્વાનનું સમર્થન કર્યું હતું.
વિશ્વ પર યુદ્ધની અસર થઇ રહી છે
એસ.જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, યુક્રેન યુદ્ધનો અંત લાવવા તેમજ વાટાઘાટોના ટેબલ પર પરત ફરવું એ આ સમયની ખાસ જરૂરિયાત છે. આ પરિષદ કૂટનીતિનું સૌથી શક્તિશાળી પ્રતીક છે. તેને પોતાના ઉદ્દેશ્ય પર ખરું ઉતરતા રહેવું પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં આપણે બધા જે વૈશ્વિક વ્યવસ્થાની સદસ્યતા લઇએ છીએ તે આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના આદર પર આધારિત છે. આ સિદ્ધાંતોને અપવાદ વિના સમર્થન આપવું જોઈએ.