ભારતીય નૌકાદળે વેપારી જહાજ એમવી રુએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું, 35 સોમાલિયન ચાંચિયાઓને કસ્ટમ્સ અને ઈમિગ્રેશન ઔપચારિકતા બાદ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા
ભારતીય નૌકાદળે તાજેતરમાં હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં 16 માર્ચે વેપારી જહાજ એમવી રુએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું અને 35 સોમાલિયન ચાંચિયાઓને પણ અટકાયતમાં લીધા હતા. આ તરફ હવે હવે કસ્ટમ્સ અને ઈમિગ્રેશન ઔપચારિકતા બાદ આ લૂંટારાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. આનો એક વીડિયો સામે આવી રહ્યો છે જે મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી બહારનો છે.
- Advertisement -
શું છે સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, ચાંચિયા વિરોધી ઓપરેશન હેઠળ નેવીએ ભારતીય સમુદ્ર કિનારાથી 2600 કિલોમીટર દૂર ચાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા. લગભગ 40 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં નેવીના INS કોલકાતા અને INS સુભદ્રા યુદ્ધ જહાજો, ડ્રોન અને મરીન કમાન્ડો સામેલ થયા હતા.
માર્કોસ કમાન્ડોએ પ્લેનમાંથી અરબી સમુદ્રમાં લગાવી હતી છલાંગ
નેવીએ કહ્યું હતું કે, ઓપરેશનના ભાગરૂપે એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની મદદથી માર્કોસ કમાન્ડોને ભારતીય કિનારેથી 2600 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં એરડ્રોપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્કોસ કમાન્ડો માટેની ઘણી ખાસ બોટ પણ અરબી સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. આ બોટોની મદદથી ભારતીય માર્કોસ કમાન્ડો અપહરણ કરાયેલા વેપારી જહાજ એમવી રૌન પર ચઢી ગયા અને ત્યાં એક ઓપરેશન હાથ ધર્યું અને ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા દબાણ કર્યું.
#WATCH | Maharashtra | 35 Somalian pirates handed over to Mumbai Police after due formalities of Customs and Immigration. The pirates were captured by Indian Navy’s INS Kolkata after an Anti Piracy operation on 16th March.
- Advertisement -
Visuals from Naval Dockyard, Mumbai. pic.twitter.com/026aup7Udc
— ANI (@ANI) March 23, 2024
આ નેવલ ઓપરેશન લગભગ 40 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન ચાંચિયાઓએ ભારતીય જવાનો પર ઘણી વખત ગોળીબાર પણ કર્યો હતો. નૌકાદળના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ બચાવ અભિયાનના ભાગરૂપે ભારતીય યુદ્ધ જહાજ INS કોલકાતા પર 35 ચાંચિયાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેપારી જહાજ એમવી રૂએનના 17 ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.
એમવી રૂએનનું ગયા વર્ષે ડિસેમ્બરમાં અપહરણ કરવામાં આવ્યું હતું
માલ્ટાના વેપારી જહાજ એમવી રૂએનને ગયા વર્ષે ડિસેમ્બરમાં એડનની ખાડીમાં ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. હવે ચાંચિયાઓ આ જહાજનો ઉપયોગ અન્ય જહાજોને હાઇજેક કરવા માટે કરી રહ્યા હતા. 15 માર્ચે, ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વ કિનારે એમવી રુએન જહાજને અટકાવ્યું હતું. જે બાદ નૌકાદળે એમવી રૂએનને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવા ઓપરેશન હાથ ધર્યું હતું.
મોટી શક્તિ તરીકે ઉભરી રહી છે ભારતીય નૌકાદળ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછીથી આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર, ખાસ કરીને લાલ સમુદ્ર અને એડનના અખાતમાં વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓ અણધારી રીતે વધી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા આ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમાલિયાના ચાંચિયાઓ પણ અરબી સમુદ્ર વિસ્તારમાં ખૂબ સક્રિય બન્યા છે. આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાએ અરબી સમુદ્ર અને અદનની ખાડીના વિસ્તારમાં પણ દેખરેખ વધારી દીધી છે. આ કારણે, તાજેતરના સમયમાં નેવીએ ઘણા વેપારી જહાજોને હુમલા અને અપહરણથી બચાવ્યા છે. તાજેતરમાં નેવીએ બાંગ્લાદેશી જહાજને પણ ચાંચિયાઓથી બચાવ્યું હતું અને હવે સફળ અને ખતરનાક ઓપરેશન હાથ ધરીને તેણે માલ્ટા જહાજ એમવી રુએનને બચાવ્યું છે. આ કામગીરીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતીય નૌકાદળની વિશ્વસનીયતા વધી રહી છે અને એવું માનવામાં આવતું હતું કે ભારતીય નૌકાદળનું વર્ચસ્વ હિંદ મહાસાગર સુધી મર્યાદિત છે, પરંતુ તાજેતરના ઘણા બચાવ કામગીરીએ સ્પષ્ટ કર્યું છે કે હિંદ મહાસાગર સિવાય, ભારત અરબી સમુદ્ર ક્ષેત્રમાં પણ એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.