પ્રથમ સ્ટેજમાં બબ્બે પરાજય ખમ્યા બાદ મેળવી જીત: કેપ્ટન હરમનપ્રીતના બે, વિવેકસાગર, અમિત રોહિદાસ અને દિલપ્રિત સિંહના એક-એક ગોલ: આજે બ્રિટન સામે મુકાબલો
કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલની મદદથી ભારતીય હૉકી ટીમએ ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમને 5-1થી હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. એફઆઈએચ પ્રો-લીગમાં બેલ્જિયમ સામે મીડફિલ્ડર વિવેક સાગર પ્રસાદે મેચની પહેલી જ મિનિટમાં ભારતને લીડ અપાવી દીધી હતી. બીજા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર બે ગોલ કર્યા હતા. તેણે મેચની 20મી અને 29મી મિનિટમાં ગોલ કર્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત અમિત રોહિદાસ અને દિલપ્રિત સિંહે પણ ગોલ કર્યા હતા. રોહિદાસે 28મી મિનિટમાં ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો. જ્યારે દિલપ્રિત સિંહે મેચ પૂર્ણ થાય તેની એક મિનિટ પહેલાં ગોલ કર્યો હતો. 59મી મિનિટમાં તેના ગોલે ભારતને ચાર ગોલના મોટા અંતરથી જીત અપાવી હતી.
બેલ્જિયમ માટે ચોથા ક્વાર્ટરની પહેલી જ મિનિટમાં વિલિયમ ઘીસલેન (45મી મિનિટ)એ એકમાત્ર ગોલ કર્યો હતો. ભારતીય ટીમ પ્રો-લીગ પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ તરીકે યુરોપ પહોંચી હતી પરંતુ યુરોપીય તબક્કાના પ્રારંભીક મેચમાં 26 મેએ બેલ્જિયમ સામે 1-2થી હારી ગઈ હતી અને પછી આગલા જ દિવસે તેણે બ્રિટન સામે 2-4થી પરાજય સહન કરવો પડ્યો હતો. હવે ભારતે બેલ્જીયમને હરાવ્યું છે ત્યારે તેનો બીજો મુકાલો બ્રિટન સામે આજે થશે.