વડાપ્રધાન અને હું એક જ રાજ્યમાંથી હોવાથી મારા પર આરોપ લાગવા સરળ બાબત
અદાણી ગ્રુપનો ‘વિકાસ’ મોદીને કારણે નહીં બલ્કે રાજીવ ગાંધીથી લઈ કેશુભાઈ પટેલ-નરેન્દ્રભાઈની સરકારે નીતિમાં કરેલા ફેરફારને કારણે શક્ય બન્યો છે
- Advertisement -
અદાણી ગ્રુપનું કલ્ચર હાર માનવું નથી: અમારી ટીમ ઉર્જાવાન અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં વિશ્ર્વાસ રાખે છે: 2050સુધી ભારતમાં 160 કરોડ યુવાનો હશે જે દેશની પ્રગતિને બુસ્ટર આપવાનું કરશે કામ
ઈન્ડિયા ટુડે ટીવી ગ્રુપને આપેલા ઈન્ટરવ્યુમાં વિશ્ર્વના ત્રીજા સૌથી ‘અમીર’ વ્યક્તિ ગૌતમ અદાણીએ અનેક
પાસાં પર કરેલી ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સહિત આખા વિશ્વમાં કોરોના સંકટને કારણે ઉદ્યોગોની ગતિવિધિ ઠપ્પ થઈ ગઈ હતી બરાબર તેવા સમયે જ ભારતના ટોચના ઉદ્યોગપતિ અને મુળ ગુજરાતી એવા ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. પાછલા એક વર્ષમાં તેમની કંપનીઓના માર્કેટ કેપમાં ખૂબ જ વધારો જોવાયો છે જેના કારણે ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત નજીક હોવાના આરોપો પણ વારંવાર લાગતા આવ્યા છે. આ બધાની વચ્ચે ઈન્ડિયા ટુડે ટીવીના એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચેંગપ્પા સાથે ગૌતમ અદાણી સાથે તમામ પ્રકારના પ્રશ્ને મુક્તમને ચર્ચા કરી સવાલોના જવાબ આપ્યા હતા.
- Advertisement -
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પૂછવામાં આવ્યું કે અદાણી ગ્રુપની જબદરસ્ત સફળતાનું રાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે છે ત્યારે આ વિશે તમે શું માનો છો અને કેવો અનુભવ કરી રહ્યા છો ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં અદાણીએ કહ્યું કે હું અને વડાપ્રધાન એક જ રાજ્યમાંથી આવીએ છીએ એટલા માટે મારા ઉપર આવા નિરાધાર આરોપ લગાવવા અત્યંત સરળ બની જાય છે. હું મારી ઔદ્યોગિક સફરને ચાર ભાગમાં વહેંચી શકું છું. અનેક લોકોને જાણીને આશ્ચર્ય થશે કે મારી સફર જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે શરૂ થઈ હતી. જ્યારે તેમણે એગ્ઝિમ પોલિસીને પ્રોત્સાહન આપ્યું અને પહેલીવાર અનેક વસ્તુઓને ઓજીએલ લિસ્ટમાં સામેલ કરી હતી. આ કારણથી મારું એક્સપોર્ટ હાઉસ શરૂ થયું હતું. જો તેઓ ન હોત તો મારી શરૂઆત આવી શક્ય ન બની હોત. બીજો પ્રસંગ 1991માં આવ્યો જ્યારે નરસિમ્હા રાવ અને મનમોહનસિંહે આર્થિક સુધારા શરૂ કર્યા હતા. મારી સાથે અન્ય લોકોને પણ તેનો ફાયદો મળ્યો હતો. આ અંગે પહેલાં પણ ઘણું બધું લખાઈ ચૂક્યું છે.
ત્રીજો પ્રસંગ 1995માં આવ્યો જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યાં સુધી માત્ર મુંબઈથી દિલ્હી સુધી જ નેશનલ હાઈ-વે-8 જ વિકસિત થયો હતો. તેમની દૂરદર્શિતા અને પોલિસીના ફેરફારથી મને મુંદ્રા પર મારું પહેલું પોર્ટ બનાવવાની તક મળી હતી. ચોથો પ્રસંગ 2001માં આવ્યો જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની દિશા બતાવી હતી.
નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયની જિંદગીમાં ફેરફાર કર્યો: અદાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફર વિશે અદાણીએ કહ્યું કે તેમની નીતિઓએ દરેક ભારતીયની જિંદગીમાં ફેરફાર કર્યો છે. તેમની કોશિશથી ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાની સાથે જ સામાજિક વિકાસ પણ થયો છે. તેમની નીતિઓથી દેશમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસ થયો છે. આત્મનિર્ભર ભારત, ડિઝિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયાએ વેપાર અને ઉત્પાદનની નવી તક ઉભી કરી છે અને લાખો લોકોને રોજગાર આપ્યો છે. વડાપ્રધાને ખેતી અને દેશના અવિકસિત ક્ષેત્રોને પણ પ્રગતિ પથ પર લાવ્યા છે. સ્વચ્છ ભારત, જનધન યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને આયુષ્યમાન ભારતે દેશને પરિવર્તનની નવી દિશા બતાવી છે.