પાક., બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં ભેદભાવ સહઅન કરતા લઘુમતીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો : અમિત શાહ
બંગાળ, તામિલનાડુ, કેરળ દ્વારા નાગરિકતા કાયદામાં સુધારાના વિરોધ વચ્ચે અમલનો આરંભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ભારતીય નાગરિકતા આપવા માટેના કાયદામાં કરાયેલા સુધારા એટલે કે સીએએ હેઠળ પ્રથમ જુથને નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. સીએએનો અમલ થયો તેના બે મહિના બાદ બુધવારે દિલ્હીમાં 14 લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ ગૃહ સચિવના હસ્તે આપવામાં આવ્યું હતું. જ્યારે આશરે 300 લોકોની ભારતીય નાગરિકતા મંજૂર કરાઇ છે. ગૃહ મંત્રી અમિત શાહે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં દસકાઓથી જે લોકો ધર્મના આધારે થતા અત્યાચારો સહન કરી રહ્યા હતા તેમની પ્રતિક્ષાનો અંત આવ્યો છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવી વસેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તીઓને સીએએ હેઠળ નાગરિકતા આપવામાં આવી રહી છે. જે માટે ડિસેમ્બર 2019માં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે તેનો અમલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કરવામાં આવ્યો છે. અમલ થયાના બે મહિના બાદ હવે બુધવારે નાગરિકતા આપવાનું શરૂૂ કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએએ હેઠળ 14 લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જ્યારે કુલ 300 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 14 સિવાયના અન્ય લોકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જે પણ લોકોને તાજેતરમાં નાગરિકતા આપવામાં આવી છે તેમાંથી સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ છે. સર્ટિફિકેટ મેળવનારા 24 વર્ષીય ભરત કુમારે જણાવ્યું હતું કે અમે લોકો 11 વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, મને હાલ નાગરિકતા આપવામાં આવી છે. એક ભારતીય બનવાનું મને ગૌરવ થઇ રહ્યું છે. 2019માં જ્યારે નાગરિકતા કાયદામાં સુધારો કરવામાં આવ્યો ત્યારે એવા દાવા થઇ રહ્યા હતા કે સીએએ બાદ એનઆરસી પણ અમલમાં આવી શકે છે. જેને કારણે સમગ્ર દેશમાં સીએએ અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થયો હતો. દિલ્હીના શાહીનબાગમાં મહિનાઓ સુધી મુસ્લિમ મહિલાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જ્યારે આસામમાં હિન્દુઓ દ્વારા સીએએનો વિરોધ કરવામાં આવ્યો હતો અને દાવો કરાયો હતો કે 1971ના યુદ્ધ સમયે કે બાદમાં જે લોકો બાંગ્લાદેશથી આસામમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવાથી આસામના મૂળ નાગરિકોના અધિકારો છીનવાઇ જશે. જ્યારે વિરોધ કરનારા મુસ્લિમોની માગણી હતી કે સીએએમાં મુસ્લિમોનો પણ સમાવેશ કરવામાં આવે. તાજેતરમાં સીએએનો અમલ કરવામાં આવ્યો ત્યારે પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળના મુખ્યમંત્રીઓએ જાહેર કર્યું હતું કે અમે સીએએનો અમલ નહીં થવા દઇએ. જોકે નિષ્ણાતોના મતે રાજ્યો સીએએનો અમલ અટકાવી ના શકે. આમ વિપક્ષના વિરોધ વચ્ચે સીએએનો અમલ શરૂ કરવામાં આવ્યો અને હવે નાગરિકતા પણ આપવામાં આવી રહી છે.