ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે, મે 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગંભીર લશ્કરી તણાવ થયો હતો. તે પછી કોઈપણ ભારતીય વરિષ્ઠ મંત્રીની આ પ્રથમ ચીન યાત્રા છે. બે દિવસીય આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આતંકવાદ સામે લડવા માટે દેશો વચ્ચે વધુ સહયોગ કરવાની વાત કરશે.
આતંકવાદ, શાંતિ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા
- Advertisement -
આ બેઠક દરમિયાન, રાજનાથ સિંહે આતંકવાદ, શાંતિ અને સુરક્ષા જેવા ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ‘મારું માનવું છે કે આપણા પ્રદેશમાં સૌથી મોટી મુશ્કેલીઓ શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે જોડાયેલી છે અને આ સમસ્યાઓનું મુખ્ય કારણ વધતો કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ છે.’
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે, ‘આતંકવાદ અને આતંકવાદી જૂથોના હાથમાં મોટા પાયે વિનાશ કરી શકે તેવા શસ્ત્રો (WMD – Weapons of Mass Destruction)ના કારણે દેશમાં શાંતિ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે અને આપણે આપણી સુરક્ષા માટે આતંકવાદ સામેની લડાઈમાં એકજૂટ થવું જોઈએ.’
જે લોકો આતંકવાદને ટેકો આપે છે, તેને પરિણામ ભોગવવા પડશે
- Advertisement -
સંરક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘એ ખૂબ જ જરૂરી છે કે જે લોકો આતંકવાદને ટેકો આપે છે, તેને પોષે છે અને પોતાના નાના અને સ્વાર્થી હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે, તેમને તેના પરિણામ ભોગવવા પડશે. કેટલાક દેશો સરહદ પારના આતંકવાદને પોતાની નીતિના સાધન તરીકે વાપરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે. આવા બેવડા ધોરણો માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. SCO એ આવા દેશોની ટીકા કરવામાં અચકાવું ન જોઈએ.’
આતંકવાદ પ્રત્યે ભારતની નીતિ વિષે વાત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ‘આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ આજે અમારા કામમાં દેખાય છે. તેમાં આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાનો અમારો અધિકાર પણ સામેલ છે. અમે બતાવી દીધું છે કે આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી અને અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં.’
આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ
22 એપ્રિલ 2025ના રોજ આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો અને પીડિતોને ધાર્મિક ઓળખના આધારે ઓળખીને ગોળી મારવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકી જૂથ લશ્કર-એ-તૈયબાના એક પ્રતિનિધિ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી.
રાજનાથ સિંહે કહ્યું કે, ‘કોઈપણ દેશ, ભલે તે કેટલો પણ મોટો અને શક્તિશાળી કેમ ન હોય, એકલા કામ કરી શકતો નથી. વૈશ્વિક વ્યવસ્થા કે બહુપક્ષવાદનો મૂળ વિચાર એ ધારણા છે કે રાષ્ટ્રોએ પોતાના પરસ્પર અને સામૂહિક લાભ માટે એકબીજા સાથે મળીને કામ કરવું જોઈએ. આ આપણી સદીઓ જૂની સંસ્કૃત કહેવત ‘સર્વે જન સુખિનો ભવન્તુ’ ને પણ દર્શાવે છે, જેનો અર્થ છે બધા માટે શાંતિ અને સમૃદ્ધિ.’