દેશના ચોખા ઉત્પાદક વિસ્તારોમાં અતિભારે વરસાદ થતાં ચોમાસું ઉત્પાદન ઘટવાની ભીતિથી સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભારત દુનિયાના 140 દેશોમાં ચોખાની નિકાસ કરે છે. વાસ્તવમાં દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો 40 ટકા હિસ્સો છે. 2022માં ભારતે 55.4 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી હતી. જે દુનિયાના ચોખાના 4 મુખ્ય નિકાસકાર દેશો થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકાની કુલ નિકાસ કરતાં પણ વધુ છે. પરંતુ આ વર્ષે (2023માં) અતિભારે વરસાદને લીધે ચોખા ઉત્પાદક વિસ્તારોમાં ચોખાનું ઉત્પાદન ઘટતાં ભારતના ચોખાના મુખ્ય આયાતનગર દેશ અમેરિકામાં ભારતના ચોખા માટે પડાપડી થઈ ગઈ છે. તો કેટલાંક મોલોમાં તો ચોખાની ગુણીઓની રીતસર લૂંટફાટ થઈ રહી છે. એક કારણ તે પણ છે કે આ વર્ષે અમેરિકામાં વરસાદ પ્રમાણમાં ઓછો થયો હોવા છતાં ત્યાં ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે. તેથી અમેરિકામાં ઉત્પન્ન થતા ચોખા પ્રમાણમાં ઓછા પ્રાપ્ત થયા છે.
- Advertisement -
ઉલ્લેખનીય તો તે છે કે ભારતના શ્રેષ્ઠ બાસમતી ચોખા મોટે ભાગે તેલ સમૃદ્ધ આરબ દેશોમાં નિકાસ થાય છે. સાદા કે ટુકડી ચોખા એંગોલા, બેજીન, બાંગ્લાદેશ, કેમેરોન, જુબુટી, ગિની, આઈવરી કોસ્ટ, કેન્યા, નેપાળ ઉપરાંત ઈરાન, ઈરાક અને સાઉદી અરબસ્તાનમાં જાય છે. ઈરાન, કુવૈત, સઉદી અરબસ્તાન જેવા દેશો તો પ્રિમીયમ બાસમતી ખરીદે છે. બાસમતી કે પ્રિમિયમ બાસમતીની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી.
2022માં ભારતે 17.86 બિલિયન ટન ગેર-બાસમતી ચોખાની નિકાસ કરી હતી. તેમાં 10.3 બિલિયન ટન ગેર-બાસમતી, સફેદ ચોખા પણ સામેલ છે. સપ્ટેમ્બર 2022માં ભારતે ટુકડી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અને વિભિન્ન ગ્રેડના ચોખાની નિકાસ ઉપર 20 ટકા નિકાસ વેરો નાખ્યો હતો.2022-23માં ચોખાનું ઉત્પાદન, 135.5 મિલિયન ટન થયું હતું. ભારતમાં ચોખાનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પં.બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, ઓડીશા અને છત્તીસગઢ સમાવિષ્ટ છે. ચોખાની ખેતીમાં પાણી ઘણું જોઈએ છે. પરંતુ અતિભારે વરસાદને લીધે તેનાં ધરૂ ખેંચાઈ જતાં ચોખાનું ઉત્પાદન ઘટતાં દેશમાં ચોખાના ભાવ વધવાને લીધે કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકતાં અમેરિકામાં મોલ્સમાં ભારતીય ચોખાની લૂંટફાટ થઈ હતી.