અમેરિકાએ ભારતના પ્રવાસ માટે રેટિંગ 4 નિર્ધારિત કર્યું છે, જેને સૌથી ખરાબ માનવામાં આવે છે
વોશિંગટનઃ ભારત-અમેરિકાની દોસ્તી ભલે નવા આયામ કાયમ કરી રહી હોય પરંતુ ટ્રમ્પ પ્રશાસનએ એક મોટું પગલું ભરતા પોતાના નાગરિકોને ભારત ન જવાની સલાહ આપી છે. અમેરિકાએ આ એડવાઇઝરી માટે સ્પષ્ટ કારણ નથી જણાવ્યું પરંતુ આ પ્રકારની સલાહ માત્ર આતંકવાદ, ગૃહયુદ્ધ, સંગઠિત અપરાધ અને મહામારી જેવા કારણોને ધ્યાને લઈને જ આપવામાં આવે છે. અમેરિકાએ ભારતના પ્રવાસ માટે રેટિંગ 4 નિર્ધારિત કર્યું છે, જેને સૌથી ખરાબ માનવામાં આવે છે. આ રેટિંગમાં અમેરિકાએ યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદના કેન્દ્ર પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન જેવા દેશોને રાખ્યા છે.
ભારત માટે આ એડવાઇઝરીનું કારણ વધતા કોરોનાના કેસ હોવાનું કહેવાય રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તેને જ ધ્યાને લઈ ટ્રમ્પ પ્રશાસને નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. અમેરિકાની એજન્સીઓનું માનવું છે કે કોરોના ઉપરાંત ભારતમાં અપરાધ અને આતંકવાદમાં વધારો થયો છે. આ એડવાઇઝરીમાં મહિલાઓની વિરુદ્ધ વધતા અપરાધ અને ઉગ્રવાદને પણ પ્રવાસ ન કરવાના કારણોમાં સામેલ કરવામાં આવે છે. જોકે, ઈન્ડિયન ટૂરિઝમ એન્ડ હૉસ્પિટાલીટીએ ભારત સરકારને અપીલ કરી છે કે તેઓ અમેરિકા સરકારની ટ્રાવેલ એડવાઇઝરીને બદલવા માટે દબાણ કરે.