ખાસ-ખબર સંવાદદાતા
શ્રીલંકાના નવા પ્રમુખ બનેલા રાનિલ વિક્રમસિંઘેએ ભારતનો આભાર માનતા કહ્યું છે કે અનાજ, ઈંધણ, દવાઓ તથા બીજી ઘણી આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછતને કારણે અમારું અર્થતંત્ર છિન્નભિન્ન હાલતમાં આવી ગયું હતું ત્યારે અમારા સૌથી નજીકના પડોશી દેશ ભારતે અમારામાં નવા પ્રાણનો સંચાર કર્યો હતો.
‘હું આપણા દેશની જનતા વતી તથા વ્યક્તિગત રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, એમની સરકાર તથા ભારતની જનતા પ્રતિ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતે પૂરી પાડેલી સહાયતાનો હું વિશેષ રીતે ઉલ્લેખ કરીશ. નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળની ભારત સરકારે આપણામાં નવા પ્રાણનો સંચાર કર્યો છે,’ એમ વિક્રમસિંઘેએ સંસદમાં પ્રમુખ તરીકે પોતાની નીતિઓની જાહેરાત સમયે કરેલા ભાષણમાં જણાવ્યું હતું.