કોવિડની ગંભીર અસર થઈ હોય તેઓ ભારે કામકાજ-કસરતથી દુર રહે: આરોગ્યમંત્રી માંડવીયાની સલાહ
દેશમાં કોરોના કાળ બાદ હૃદયરોગના વધેલા કિસ્સા તથા કાર્ડીયાક એરેસ્ટથી થતા મોતમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે મૌન તોડતા આ સ્થિતિ કોરોનાની તિવ્ર અસરના કારણે હોવાનું તારણ આપ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસને આગળ ધરતા કહ્યું કે જેઓને કોરોનાની તિવ્ર અસર થઈ હતી તેઓએ હૃદયરોગના હુમલા કે કાર્ડીયાક અરેસ્ટથી બચવા માટે એક અથવા બે વર્ષ સખ્ત મહેનતથી બચવું જોઈએ.
- Advertisement -
ગુજરાતમાં નવરાત્રીના સમયમાં ગરબે રમતા કે પછી જીમમાં કસરત કરતા સહિતના સમયે જે રીતે હૃદયરોગના હુમલાથી અથવા કાર્ડીયાક એરેસ્ટથી મૃત્યુનો ઉંચો દર નોંધાયો તેનો જવાબ મેળવવા ગુજરાત સરકારે પણ નિષ્ણાંત તબીબોની ટીમ રચી છે જે ડેટા મેળવ્યા બાદ તેના પર અભ્યાસ કરી તારણ આપશે. આ અંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે આઈસીએમઆર દ્વારા ખૂબજ ઉંડાણપૂર્વક આ સ્થિતિની તપાસ કરવામાં આવી છે અને તેના તારણમાં જેઓ મહામારી સમયે કોવિડની તિવ્ર અસર હેઠળ આવ્યા હતા.
તેઓ પર આ પ્રકારે હૃદયરોગના હુમલાની શકયતા વધુ છે અને નિષ્ણાંતની સલાહ છે કે આ વર્ગના લોકો જેઓ કોવિડની તિવ્રતાનો ભોગ બન્યા હોય તેઓએ વધુ પડતુ મહેનતનું કામ કરવું જોઈએ નહી. થોડો સમય એટલે કે એક કે બે વર્ષ આ પ્રકારની સ્થિતિ નિવારવી જોઈએ. તેઓએ વધુ પડતી કસરત, દોડવા કે પછી ખૂબ જ ભારે વ્યાયામથી દુર રહેવું જોઈએ તો સંભવત તેઓ આ પ્રકારના હૃદયરોગથી બચી રહ્યા છે. ગુજરાતમાં આ પ્રકારની ઘટનામાં રાજય સરકારે જે કમીટી નિયુક્ત કરી છે તેના રીપોર્ટ હવે શું આવે છે તેના પર સૌની નજર છે.