શહેરમાં મહિનામાં 5 સહિત 9 કેસ નોંધાયા, 8 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ચોમાસાની સિઝન બાદ રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુનાં દર્દીઓની સાથે જ કોલેરાનાં કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે ત્રણ-ચાર મહિને કોલેરાનો એકાદ કેસ જોવા મળતો હોય છે. જેને બદલે છેલ્લા 1 મહિનામાં કોલેરાનાં 5 સહિત કુલ 9 કેસ નોંધાયા છે. જેને પગલે અલગ-અલગ 8 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. અને તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં કોલેરાનાં કેસો સતત વધી રહ્યા છે. જેમાં તાજેતરમાં મોરબી રોડ ઉપર જુદા જુદા વિસ્તારમાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી રોડ ઉપર સર્વેલન્સ વધારવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે મોરબી રોડ પર રેલવે ક્રોસિંગ પાસે આવેલ સોમનગરમાં પાંચ વર્ષની એક બાળકીને ઝાડા-ઉલ્ટી થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવી હતી. તપાસ કરવામાં આવતા દૂષિત પાણી પીવાથી કોલેરા હોવાનો લેબોરેટરી રિપોર્ટ આવ્યો હતો. આ ઉપરાંત મોરબી રોડ નજીક ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતા 60 વર્ષના વૃદ્ધાને પણ ઝાડા-ઉલ્ટી થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં રિપોર્ટ કરવામાં આવતા તેમને કોલેરા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બન્ને દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ કોલેરાનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે બન્ને વિસ્તારમાં પાણીના સેમ્પલ લીધા છે. આ ઉપરાંત બન્ને વિસ્તારમાં બે કિમીના વિસ્તારમાં ખાણીપીણીની દુકાન, લારી-ગલ્લા, શેરડીના રસના ચિચોડા, બરફના કારખાના અને બરફ, ગોલા, ગુલ્ફીના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માટે કલેક્ટરને ભલામણ કરવામાં આવી છે. અગાઉ પણ લોહાનગર, અટલ સરોવર, ખોડિયારનગર, લક્ષ્મીવાડી, કોટક શેરી તેમજ રામ નગર સહિતના વિસ્તારોમાં કલેક્ટર દ્વારા બરફ, ગોલા અને ગુલ્ફીનાં વેચાણ સહિતની બાબતો ઉપર પ્રતિબંધ મુકાઈ ચુક્યો છે.
જેમાં લોહાનગર વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થઈ હોવાનું જાણવા મળ્યું છે. બાકીના વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.