10 કિલો બોક્સના 600થી 2000 સુધી ભાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં દિન પ્રતિદિન કેસર કેરીની આવકમાં વધારો થઇ રહ્યો છે. સીઝનની સૌથી વધુ 11 હજારથી વધુ બોકસ આવક થતા શાકભાજી માર્કેટીંગ યાર્ડ કેરીઓના બોકસથી છલકાયુ હતુ. આવક વધતા ભાવમાં બોકસ દીઠ 400 રૂપિયાનો ઘટાડો થયો હતો. અગામી દિવસોમાં કેરીની હજુ પણ વધુ આવક થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળો અસલ રંગમાં આવતા હવે કેરીની આવક પણ વધી રહી છે. તાલાલાની પ્રખ્યાત કેસર કેરીની બજારમાં 20 દિવસ મોડી આવક થઇ હતી પરંતુ હવે કેરીની આવક દિન પ્રતિદિન વધી રહી હોવાથી કેરીઓના રસીયાઓમાં આનંદ છવાયો હતો.
- Advertisement -
માર્કેટીંગ યાર્ડમાં સીઝનની સૌથી વધુ 10 કિલોના 11,300 બોકસ કેસર કેરીની આવક નોંધાઇ હતી.જો કે, આવક વધતા ભાવમાં ઘટાડો થયો હતો શાકભાજી માર્કેટીંગ યાર્ડના ઇન્સ્પેકટર હરેશભાઇ ગજેરાના જણાવ્યા મુજબ હાલ કેસર કેરી તાલાળા, ઉના, વંથલી સહિતના વિસ્તારમોાંથી કેરીની પુષ્કળ આવક થઇ રહી છે. 10 દિવસમાં જ માર્કેટીંગ યાર્ડમાં 64,000 કેરીની બોકસ ઠલવાયા છે. શાકભાજી યાર્ડમાં કેરીના બોકસના રૂા.600થી 2,000 ભાવ નોંધાયા હતા.