એક સમયે 5થી 6 બોટના માલિક આજે રિક્ષા ચલાવે છે તો કોઈ શાકભાજી વેચવા પર મજબૂર !
લાઇન, લાઇટ અને ઘેરા ફિશીંગ જેવી રાક્ષસી ફિશીંગના લીધે માછલી નથી મળતી, ડીઝલના વધતા ભાવનો બમણો માર પડે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
વેરાવળએ એક સમયનું ફિશીંગ હાર્બર ગણાતું હતું પરંતુ દિવસે ને દિવસે ખાસ કરીને કોરોના બાદ માછીમારોની જાણે કમર એવી તૂટી છે કે માછીમારીના ધંધામાં તેજી જોવા મળતી જ નથી.જો કે અમુક બોટ માલિકોને બાદ કરતાં મોટા ભાગના બોટ માલિકોને માછીમારી માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.તો બીજી તરફ ઘણા બોટ માલિકો અન્ય વ્યવસાય કરવા પણ પ્રેરાયા છે જે આજના વેરાવળ બંદરની પરિસ્થિતિ છે.
વેરાવળ બંદર પર 5000 જેટલી ફિશીંગ બોટો છે અને લગભગ સીધી કે આડકતરી રીતે અંદાજે 2 થી 4 લાખ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.માછીમારીની સીઝન 15 ઓગસ્ટથી ચાલુ થાય છે ત્યારે છ મહિનાથી વધુ સમય વિતી ચૂક્યો છે પરંતુ આજે પણ વેરાવળ બંદરે 50 ટકાથી વધુ બોટના થપ્પા લાગ્યા છે.આ બાબતે સાગરપુત્ર ફાઉન્ડેશન બોટ એસોસિએશનના પ્રમુખ જણાવે છે કે 1 બોટ પાછળ લગભગ 100 લોકો નભતા હોઈ છે ત્યારે વેરાવળ બંદરની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષની સૌથી નબળી સીઝન છે. અંદાજે 2500 બોટ હજુ લાંગરેલી જોવા મળે છે જેથી 2 લાખથી વધુ લોકોને હાલ પૂરતી રોજગારી મળતી નથી.તેનું મુખ્ય કારણ લાઇન,લાઇટ અને ઘેરા તેમજ કઊઉ જેવી રાક્ષસી ફિશીંગ છે તો બીજી તરફ ડીઝલના ભાવ પણ કોરોના બાદ લગભગ બમણા થયા છે જેને લીધે માછીમારને બંને તરફથી માર પડ્યો છે.આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું માછીમારો માટે મુશ્કેલ બન્યું છે જેને લીધે ઘણા માછીમારો અન્ય વ્યવસાય કરવા પણ પ્રેરાઈ છે.
બોટ ફિશિંગમાં ન જાય તો આટલા ધંધાર્થીઓને પણ સીધી કે આડકતરી અસર
સામાન્ય રીતે 1 બોટમાં 1 ટંડેલ અને 7 થી 10 લોકો કામ કરે છે.આ ઉપરાંત ફિશીંગમાં બોટ જાય એટલે ડીઝલ, બરફ, નેટ, ખાવા પીવાનો કે કરિયાણાનો સામાન અને તેના સમારકામ માટે સ્પેર પાર્ટ્સની પણ જરૂર પડે.ત્યારે વેરાવળમાં લગભગ 5000 જેટલી બોટો છે અને તેના માટે 5000 જેટલા ટંડેલ ઉપરાંત તેમાં કામ કરવા માટે 30 થી 40 હજાર લોકો,માલ આવે તો તેના પરિવહન માટે 100 થી વધુ રિક્ષા ચાલકો,અંદાજે 500 સપ્લાયર,100 થી વધુ નેટ મેકર જેમાં એક નેટ મેકર સાથે 5 થી 7 લોકો કામ કરે છે. સ્પેર પાર્ટ્સની દુકાનો ઉપરાંત ઘણા નાના મોટા ધંધાર્થીઓ કે નોકરી કરનાર લોકો સીધી કે આડકતરી રીતે ફિશીંગ સાથે સંકળાયેલા છે તેમને પણ સીધી અસર થાય છે.આમ, વેરાવળમાં હાલ 2500 જેટલી બોટ ફિશીંગ માટે ન જાય તો હજજારો લોકોને તેની સીધી અસર થાય છે.
- Advertisement -
માછીમારીનો ખર્ચ વધવાથી આવક થતી નથી
રાજ્ય સરકાર દ્વારા વેટ માફી આપવામાં આવી છે પરંતુ ડીઝલના ભાવ લગભગ બમણાં થયા છે જેના પગલે વર્ષે લગભગ 10 લાખ જેટલો ખર્ચ વધવાના કારણે માછીમારીનો ખર્ચ વધવાથી આવક થતી નથી.માછીમારી વ્યવસાય પર લાખો પરિવાર નભે છે જેથી સરકારે જમીની ખેડૂતની જેમ સાગરખેડુને પણ સહાય રૂપે ડીઝલ પર એકસાઈઝ ડ્યુટી માફ આપવી જોઈએ જેથી માછીમારીનો વ્યવસાય ટકી રહે. તુલસીભાઈ ગોહેલ ( પ્રમુખ – બોટ એસો. – વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન )
પરિસ્થિતિ ખરાબ બનતાં માછીમારોને અન્ય વ્યવસાય કરવાનો વારો
ભીડીયા કોળી સમાજ બોટ એસો.માં 360 જેટલી બોટ છે.લગભગ દરેક બોટમાં 10 લોકો કામ કરે છે.પરંતુ હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે.આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં માછીમારોને આ વ્યવસાય મૂકીને અન્ય વ્યવસાય કરવાનો વારો આવશે. મનોજ સોલંકી
( પ્રમુખ – ભીડીયા કોળી સમાજ બોટ એસો. )
બોટ ચલાવવા માટે ગોલ્ડ અને જમીન પર લોન હતી તે ભરપાઈ ન થતા તે પણ વેચવું
વર્ષ 1975 થી અમારો પરિવાર માછીમારીના ધંધા સાથે સંકળાયેલ છે.કોરોના પહેલા અમારી 6 બોટ હતી.છેલ્લા 10 વર્ષમાં આવેલ સાઇકલોન,કોરોના તેમજ લાઇન અને લાઇટ જેવી રાક્ષસી ફિશીંગ આ તમામ બાબતોને કારણે ધીમે ધીમે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ.ધીમે ધીમે બોટ વેચવી પડી.અમુક બોટ ચલાવવા માટે ગોલ્ડ અને જમીન પર લોન લીધી તો તે ભરપાઈ ન થતા તે પણ વેચવું પડ્યું. હાલ શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવું છું. ધનજીભાઈ બારીયા ( માછીમાર )
ફિશીંગ માટે 4 થી 5 લાખનો ખર્ચ કરીએ તો 3 લાખ જેટલો માલ આવતો
શરૂઆતના સમયમાં 2 બોટ હતી જેમાંથી 5 થી 6 બોટ થઈ પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ ખરાબ થતાં બોટો વેચવી પડી.મુખ્ય કારણ એ છે કે ફિશીંગ માટે 4 થી 5 લાખનો ખર્ચ કરીએ તો 3 લાખ જેટલો માલ આવતો જેના કારણે આજીવિકા ચાલતી ન હતી.હાલ હું અન્ય બોટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. ગોપાલ મોનજી ( માછીમાર )