આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રહેતાં, એકાંત અને દુર્ગમ વિસ્તારોમાં રહેતાં લોકો સંદર્ભે પ્રશ્ર્નોના પ્રત્યુત્તર આપતાં ગૃહમંત્રી
ખાસ-ખબર સંવાદદાતા
સંસદનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે ત્યારે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આ દરમિયાન સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ પાર્લામેન્ટમાં ગૃહવિભાગને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રહેતાં એકાંત અને દુર્ગમ વિસ્તારોમાં રહેતાં લોકો સંદર્ભે કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહમંત્રી નિશીથ પ્રમાણીકને અનેક સવાલો કર્યા હતા.
- Advertisement -
સંસદના શિયાળુ સત્રમાં રામભાઈ મોકરીયાએ ગૃહમંત્રી નિશીથ પ્રમાણીકને સવાલો કરતાં પૂછયું કે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રહેતા એકાંત અને દુર્ગમ વિસ્તારોમાં રહેતાં લોકો માટે બોર્ડર ક્ષેત્રિય વિકાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે કે નહીં? આ યોજના હેઠળ આ લોકો માટે કેટલી ગ્રાન્ટ ફાળવી છે? કેટલા રાજ્યોને પસંદ કરવામાં આવ્યા છે? આ યોજનામાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં? અને આ યોજના હેઠળ ગુજરાતના બોર્ડર પર રહેતાં કેટલા લોકોને લાભ મળી શકશે? જેના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું કે બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (બી.એ.ડી.પી.) (0થી 10) કિલોમીટરની અંદર આવેલા ગામો- નગરોમાં આ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો છે. (ક્રો ફ્લાય એરિયલ ડિસ્ટન્સ) આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈ.બી.) ખાતેના પ્રથમ વસવાટથી 16 રાજ્યોમાં અને 2 યુટીએસમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે.
બી.એ.ડી.પી.નો મુખ્ય ઉદ્દેશ કવરેજ વિસ્તારમાં રહેતાં લોકોનો વિેશેષ વિકાસ, જરૂરિયાતોનો અને સુખાકારીને પહોંચી વળવાનો અને આવશ્યક માળખાકીય સુવિધા પૂરી પાડવાનો છે. બી.એ.ડી.પી., અન્ય કેન્દ્ર-રાજ્ય, યુ.ટી., સ્થાનિક યોજનાઓના સંકલન દ્વારા માળખાકીય સુવિધાઓ સંબંધિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ, કૃષિ, રમતગમત, પીવાનું પાણી અને સ્વચ્છતા સામાજિક ક્ષેત્રે નાના પાયાના ઉદ્યોગો વગેરેને સંબંધિત છે અને કેન્દ્ર સરકાર દ્વારા બી.એ.ડી.પી. યોજના હેઠળ 2014-15થી 224.34 કરોડ રૂપિયા ગુજરાતને ફાળવ્યા છે. આ રકમ દ્વારા માળખાકીય સુવિધાઓ જેમ કે રસ્તાઓ, પુલો, ક્વાર્ટસ, સામુદાયિક કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો, વધારાના વર્ગ ખંડો, પીવાના પાણી પુરવઠાના પ્રોજેક્ટ, નાની સિંચાઈ પ્રોજેક્ટ, પ્રવાસન, ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ, સૌર અને પવન ઊર્જા પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ સંસદસભ્ય રામભાઈ મોકરીયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નોનો જવાબ આપવામાં આવ્યા હતા.