ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલ રેફ્યુજી કોલોની છેલ્લા ઘણા વર્ષોથી કંડમ હાલતમાં હોય અને ત્યાં દારૂડિયાઓ અને ગંજેરીઓ અડ્ડો જમાવીને બેસતા હોવાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા આ અહેવાલ ખાસ ખબરમાં પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર દોડતું થયું હોય તેમ થોડા દિવસો પૂર્વે એક કબ્જાગ્રસ્ત મકાન પણ ખાલી કરાવ્યું હતું અને છેલ્લા એક સપ્તાહથી ડીમોલેશન પણ શરુ કર્યું છે કંડમ મકાનોનો ઉભેલો માંચડો તોડી પાડવામાં આવ્યો છે હવે આગામી દિવસોમાં કલેકટરની સૂચનાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત અહીંનો કાટમાળ તાત્કાલિક દૂર કરી ઝુપડપટ્ટી હટાવવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
રાજકોટના વોર્ડ નંબર 3ના જંક્શન વિસ્તારમાં આવેલ રેફ્યુજી કોલોની જે 45 હજાર વાર જગ્યામાં પથરાયેલી હતી.
- Advertisement -
જેમાં રહેતા રહીશો સુપ્રીમ કોર્ટમાં હારી ગયા બાદ તબક્કાવાર મકાનો ખાલી કરવા પી ડબલ્યુ ડી વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવતી હતી તેમ છતાં ખાલી કરવામાં આવતા ન હતા અંતે તંત્ર દ્વારા કાયદાકીય રીતે પોલીસને સાથે રાખીને તમામ મકાનો ખાલી કરાવ્યા હતા તેમ છતાં એક મકાનમાં હજુ પણ કબ્જો હતો ખાલી કરાયેલા મકાનોના લોખંડ-લાકડાના બારી-દરવાજા પણ લોકો ચોરી કરી ગયા હોય માત્ર દીવાલો જ ઉભી હતી અને ત્યાં દારૂડિયાઓ, ગંજેરીઓ નશો કરીને પડ્યા પાથર્યા રહેતા હોવાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા આ અંગેનો અહેવાલો ખાસ ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવતા પી ડબલ્યુ ડી વિભાગ ફરી હરકતમાં આવ્યો હતો અને એક કબ્જાગ્રસ્ત મકાન ખાલી કરાવી અહીં ડીમોલેશન કરવાની ખાતરી આપી હતી જે મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી તંત્ર દ્વારા ઉભેલી દીવાલો તોડી પાડવા ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મોટાભાગના મકાનોની દીવાલો જમીનદોસ કરી દેવામાં આવી છે હાલ માત્ર ત્યાં કાટમાળ જ પડ્યો છે આગામી દિવસોમાં કલેક્ટરની સૂચનાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી સુત્રોમાંથી જાણવા મળ્યું છે તો બીજી તરફ અતિ દુર્ગંધ અને લુખ્ખાઓના ત્રાસથી પીડાતા સ્થાનિક રહીશોએ આ ડીમોલેશનનો કાટમાળ ત્વરિત દૂર કરી, જગ્યા ચોખ્ખી કરવામાં આવે તેમજ ગેરકાયદે ઝુપડપટ્ટી બનાવીને વસવાટ કરી અનૈતિક પ્રવૃતિઓ કરતા લોકોને હટાવવા પણ માંગ ઉચ્ચારવામા આવી છે.



