કોઈ પણ શિવભક્તનું હૃદય લાગણીથી ઉછળીને છાતીમાંથી બહાર આવી જાય એવો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. હું તો મારા રોજના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવાનો જ છું, અન્ય શિવ ભક્તોને પણ શક્ય હોય એટલી શિવ ભક્તિ કરવાનો અનુરોધ કરું છું.
પ્રાત: કાળે વહેલા ઊઠીને, સ્નાન વિધિથી પરવારીને, સ્વચ્છ વસ્ત્રો પહેરીને શ્રીગણેશ સ્તુતિથી શુભારંભ કરવો. ગણેશ સ્તુતિનું પઠન કરવું. શક્ય હોય ત્યાં સુધી મોટેથી ઉચ્ચારણ પણ કરવું.
- Advertisement -
એ પછી શ્રી સદાશિવનું પ્રાત: સ્મરણ કરવું.
દેવાધિદેવ મહાદેવનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી. જગતના તમામ શ્રેષ્ઠ કવિઓએ અને લેખકોએ શિવની સ્તુતિ માટે પ્રયત્નો કર્યા છે. વિશ્વના સર્વ કાલીન, સર્વ ભાષીય, સર્વ શ્રેષ્ઠ મહાકવિ કાલિદાસે તેમના પ્રથમ મહાકાવ્યનો પ્રથમ શ્લોક મહાદેવ અને પાર્વતીને સંબોધીને લખ્યો છે :
મહાબલી, મહાન શિવભક્ત લંકેશ રાવણે પણ આપણને અદ્ભૂત શિવતાંડવ સ્તોત્ર આપ્યું છે. તો પુષ્પદંતનું શિવમહિમ્ન સ્તોત્ર પણ નિત્ય પાઠ કરવા જેવું છે. શ્રી રુદ્રયામલનું શિવ સ્તોત્રમ્ ખૂબ સુંદર છે. આ બધાનો પાઠ પાંચ-પાંચ મિનિટમાં પૂર્ણ થઈ જાય છે, માટે અવશ્ય કરવો.
મહામૃત્યુંજય મંત્ર તો દરેક હિન્દુને કંઠસ્થ હોય જ. એનો પાઠ કર્યા પછી શ્રી શિવરક્ષાસ્તોત્રમ અને શ્રી શિવાષ્ટકમ અચૂક વાંચવું.
જો થોડો ફાજલ સમય હોય તો શ્રી સ્કંદ પુરાણમાંથી શ્રી શિવ કવચનો પાઠ અવશ્ય કરવો અને આખું જીવન રામાયણની ચોપાઈઓ માટે વ્યતિત કરી દેનાર ગોસ્વામી તુલસીદાસજી રચિત રુદ્રાષ્ટકમ્ ભૂલ્યા વગર આખા શ્રાવણ માસમાં ગાવું. આટલું કરશો તો આખો દિવસ, આખો મહિનો અને આખું વર્ષ સુધરી જશે. કોઈ શંકાશીલ સાધક આવો પ્રશ્ન પૂછી શકે : “એક મહિનો શિવભક્તિ કરવાથી એનું પુણ્ય આખું વર્ષ કેવી રીતે મળતું રહે?” આનો ઉત્તર ઉદાહરણથી આપી શકાય. આપણે ભોજન માટે દાળ, ભાત, રોટલી અને શાક રોજ બનાવીએ છીએ પણ અથાણું વર્ષમાં એક જ વાર બનાવીએ છીએ અને એ અથાણું આખું વર્ષ આપણાં ભોજનને સ્વાદિષ્ટ બનાવતું રહે છે. આવું જ શ્રાવણ મહિનાનું છે. શ્રાવણ મહિનામાં ગ્રહો, નક્ષત્રો, સૂર્ય અને ચંદ્રની સ્થિતિ શ્રેષ્ઠ બને છે માટે ભગવાન શિવનું નામ સ્મરણ ઉત્તમ ફળ આપે છે.