ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોને કક્કો શીખડાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. અહીં બાળકોને ગોખીને નહીં, પરંતુ હર હર ભોળા શંભુ ધુનના રાગમાં કક્કો શીખવવામાં આવે છે. ટંકારાની હરબટિયાળી પ્રાથમિક શાળાના શિક્ષક જી. એમ. સાંચલા દ્વારા બાળકોને હર હર શંભુ ભોળા ધૂનના રાગમાં કક્કો શીખવાડવા માટે ગીત બનાવવામાં આવ્યું છે. આ ગીતમાં પહેલા બાળકોને કક્કાના જુદા જુદા અક્ષરો લખીને કાગળમાં આપી ગીતમાં જે જે અક્ષરનો સ્વર આવે એમ એ અક્ષર જેની પાસે હોય એ બાળક ઉભો થઈને ગીત ગાય છે. આ રીતે બાળકને કક્કો શીખવામાં ખુબ આનંદ આવે છે અને બાળકો સરળતાથી કક્કો શીખી જાય છે જો આવી જ રીતે આજની શિક્ષણ પ્રથામાં રમતા રમતા ભણવાનો આવો જ પ્રયોગ અજમવામાં આવે તો બાળકોને ક્યારેય ભણતરનો ભાર નહીં લાગે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.