વઢવાણ 80 ફૂટ રોડ પર 1982થી ધમધમતી શાળાને તાળું, બિલ્ડિંગ જર્જરિત હોવાના બહાને સ્થળાંતર: વાલીઓમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6, 80 ફૂટ રોડ પર આવેલી પે.સે. શાળા નંબર 13ને તાળું મારીને અન્ય સ્થળે ખસેડવામાં આવતા આશરે 200 વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 1982થી હીરાબાગ સોસાયટીના દાનમાં મળેલા પ્લોટ પર ધમધમતી આ શાળા સમગ્ર વોર્ડની એકમાત્ર સરકારી પ્રાથમિક શાળા હતી. આ શાળા રામદેવનગર, ઠાકરનગર અને જીઆઈડીસી વિસ્તારના સાધારણ પરિવારના બાળકો માટે આશીર્વાદરૂપ હતી. જોકે, શાળા નંબર 13નું બિલ્ડિંગ ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાનું કારણ દર્શાવીને તેને 4 કિમી દૂર આવેલી શાળા નંબર 17ના બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવી છે.
આથી, ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ બસ મારફતે પોતાના ભાડા ભરીને છેક દૂર શાળા નંબર 17માં ભણવા જવા મજબૂર બન્યા છે. વાલી અમૃતભાઈ મકવાણાએ જણાવ્યું કે નવી શાળાની માંગણી કરવા છતાં જે હતી તેને પણ તાળા મારી દીધા. લોકોમાં એવો ગણગણાટ છે કે સરકાર અને તંત્ર ક્યાંકને ક્યાંક સરકારી શાળાઓ બંધ કરીને ખાનગી શાળાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે.



