સગીરા ICUમાં, 4 માસના ગર્ભના અબોર્શનની મંજૂરી મગાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો. ત્યાર બાદ યુવકે પ્રેમસંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આ સગીરાના 4 મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી માગવામાં આવી છે. હાલ સગીરાને આઇસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે.
સુરતના પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપ-લે પણ કરી હતી. મોબાઈલ નંબરની આપ-લે બાદ સગીરા અને યુવક બંને એકબીજા સાથે વાત કરતાં હતાં. એ સમયે પંકજે મીઠી મીઠી વાતો કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અનેક વખત પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.ત્યાર બાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે પંકજે અવારનવાર દુષ્કર્મ આચરતાં તે ગર્ભવતી બની છે. આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સગીરા પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માગતી અરજી પણ કરવામાં આવી છે. આરોપી પંકજ છૂટક મજૂરીકામ કરે છે. આજે(6 જૂન, 2025) આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે હાલમાં સગીરાને આઇસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની પ્રોસેસ શરૂ કરવામાં આવશે.
- Advertisement -
શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ અને પેટમાં દુખાવો ઊપડતાં પ્રેગ્નન્સીનો ખુલાસો થયો
માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જતાં દુખાવો બંધ થઇ ગયો અને પરત દીકરીને ઘરે લઇ આવ્યા હતા. ત્યાર બાદ 3 જૂનના રોજ ફરી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે ચેકઅપ કરી 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરની આ વાત સાંભળી સગીરાનાં માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.