આ મંદિરમાં હનુમાનજી છે બિરાજમાન શયન મુદ્રામાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
- Advertisement -
પવિત્ર પ્રભાસ તીર્થમાં હિરણ નદીને કાંઠે શીતળા માતાજીનાં મંદિર જવાના રસ્તે વિશિષ્ટ દર્શનીય મકરધ્વજ હનુમાનજીનું મંદિર આવેલું છે. બાલાજી ટ્રસ્ટ વેરાવળ સંચાલિત લગભગ 40 વર્ષ ઉપરાંતનું આ મંદિર છે. મંદિરની વિશિષ્ટતા કહેતા મંદિરના મહંત પૂજારી ભરતગીરી ગોસ્વામી કહે છે કે, લગભગ સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું કોઈ મંદિર નથી.સામાન્ય રીતે આપણે હનુમાનજી ની ઊભેલી પ્રતિમા મૂર્તિઓ જોતા હોઈએ છીએ પરંતુ જ્યારે અહીં વિશાળ અને જમીન ઉપર સૂતેલ મુદ્રામાં હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે. મંદિરનાં ઇતિહાસ અંગે પૂજારી ભરતગીરી ગોસ્વામી જણાવે છે કે, આ વિસ્તારના રાણાબાપા ભગત તે સમયમાં અલાહાબાદ યાત્રાએ ગયેલ હતા.
ત્યાં તેને આવી મૂર્તિ જોઈને સોમનાથમાં આવી મૂર્તિ બનાવવાની પ્રેરણા મળી. પ્રથમ તો તેને માટીની મૂર્તિ બનાવી અને સમયાંતરે હવે હાલ પાષાણની મૂર્તિ છે. મંદિરનાં ઉપલા મજલા પરથી એ મૂર્તિનું સંપૂર્ણ દર્શન કરી શકાય છે. તદુપરાંત પૂજારીએ જણાવ્યું કે આ મંદિર પરિસરમાં નર્મદેશ્ર્વર મહાદેવ નું દિવ્ય મંદિર, કાલભૈરવ, રામાપીર સ્થાનક, નાગદેવતા સ્થાનક, રાણા ભગત ની છબી અને ધુણો તથા બિલ્વપત્ર વૃક્ષ નીચે ઘંટેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. આ મંદિરમાં સવાર અને સાંજે 7વાગ્યે આરતી થાય છે અને હનુમાન જયંતિએ બટુક ભોજન, હનુમાન ચાલીસા પાઠ, શૃંગારપૂજા અને પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાય છે.