લાયકાત ધરાવતા કોન્ટ્રાક્ટરની એજન્સીના ભાવ ઓછા હોવા છતાં અધિકારીને ડરાવીને ડિસ્ક્વોલિફાઈ કરાવાઇ? આગેવાનને આ કોન્ટ્રાક્ટ ઉપરાંત અન્ય 4 વોર્ડના સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયાની સૂત્રોની માહિતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકામાં રાજકીય દખલગીરી અને ભ્રષ્ટાચારનો એ હદે વિકાસ થઇ ગયો છે કે આખું તંત્ર વિનાશના પંથે જઇ રહ્યું છે. પ્રજાના પૈસાનો યોગ્ય ખર્ચ કરીને તેમને પ્રાથમિક અને માળખાકિય સુવિધાઓ આપવાની જવાબદારી નિભાવવના બદલે લાખ્ખો,કરોડોના કોન્ટ્રાક્ટ મેળવીને પોતાની તિજોરી ભરી રહેલા કથિત કોન્ટ્રાક્ટરો કે તેમની એજન્સી તો માત્ર ઓન રેકર્ડ ટેન્ડર પૂરતી જ મર્યાદિત હોય છે, પડદા પાછળ કોન્ટ્રાક્ટર સાથે રાજકીય આગેવાનોની ભાગીદારી અથવા તો પરિચિતને કોન્ટ્રાક્ટ અપાવાય છે અથવા કોન્ટ્રાક્ટમાં મોટા હિસ્સાની ટકાવારી હોવાનું છડે ચોક ચર્ચાય છે તાજેતરમાં જ એક મોટા સંકુલના ઇલેક્ટ્રિક મેઇન્ટેનન્સના મસમોટા કોન્ટ્રાક્ટ માટે લાયકાત ધરાવતી એજન્સીના ભાવ ઓછા હોવા છતાં એક વોર્ડના આગેવાને કોન્ટ્રાક્ટ મેળવવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અખતિયાર કરી હતી. ઉપરોક્ત એજન્સીને કોઇ પણ રીતે ડિસ્કોલીફાઇ કરાવવા કોર્પોરેશનના એક અધિકારીને ઘરે તમાચા મારીને ડરાવાયા બાદ કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો. કોર્પોરેશનમાં આ તમાચાકાંડના પડઘા હજી ગુંજી રહ્યા છે પરંતુ ડરના કારણે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બીજી તરફ પદાધિકારીઓનું મૌન ‘સૌનો સાથ પોતાનો વિકાસ’ સૂત્ર મુજબ આવા કારસ્તાનોમાં તેમની પણ મીલીભગત હોવાની શંકા જગાડી રહ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકામાં છેલ્લા કેટલાક દિવસથી તમાચા કાંડ ભારે ચર્ચામાં છે. તમાચા કાંડમાં શહેરના એક વોર્ડના ભાજપ આગેવાનનું નામ ઉપસી રહ્યું છે. કોર્પેરેશનમાં થઇ રહેલી કાનાફૂસી મુજબ કોર્પોરેશન હસ્તકના એક વિશાળ સંકુલના લાઇટીંગ, ઇલેક્ટ્રિક મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટે લાયકાત ધરાવતી એજન્સીએ વાજબી ભાવ સાથે બીડ મોકલી હતી. પરંતુ વોર્ડના ભાજપના આગેવાનને કોઇ પણ ભોગે આ કોન્ટ્રાક્ટ પોતાને (પોતાના પાર્ટનર અથવા પરિચિત કોન્ટ્રાક્ટર) મળે એ માટે ધમપછાડા શરૂ કર્યા હતા. જે પ્રમાણે બીડ મળી હતી એ મુજબ અનુભવ અને ભાવ ધ્યાને લઇને ઉપરોક્ત એજન્સીનો કોન્ટ્રાક્ટ ફાયનલ કરવો પડે.
સૂત્રોની માહિતી મુજબ મસમોટા કોન્ટ્રાક્ટ (કામ સામે કથિત કમિશન પછી પણ ધાર્યા બહારનો તગડો નફો હોવાથી) મેળવવા આગેવાનને કોઇએ અવળો રસ્તો ચિંધ્યો. જો એજન્સી કોઇ પણ રીતે ડિસ્ક્વોલીફાઇ થાય તો જ આ કોન્ટ્રાક્ટ આગેવાનના પરિચિતની કંપનીને મળી શકે. આથી આગેવાને સંબંધિત અધિકારીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અધિકારીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. મલાઇદાર કોન્ટ્રાક્ટ હાથમાંથી સરકી જાય એના કરતા પણ વર્ચસ્વ અને ધાક ઓસરી જાય એવી સ્થિતી સર્જાતા મરણીયા બનેલા આગેવાને સંબંધિત અધિકારીને બારોબાર (બિનસત્તાવાર માહિતી મુજબ તેના જ ઘરે જઇને) ધડાધડ તમાચા ચોડીને ભય પેસાડી દીધો. આગેવાન માટે તો ડર ગયા વો મર ગયા.. ડાયલોગ કામિયાબ સાબિત થયો. અધિકારીએ આઉટ ઓફ વે જઇને કામગીરી કરવી પડી અને અંતે એ કોન્ટ્રાક્ટ આગેવાનને મળી ગયાનું કહેવાય છે.
- Advertisement -
વોર્ડના ભાજપના આગેવાને કોન્ટ્રાક્ટ મેળવવા જે રસ્તો અપનાવ્યો એ વાત કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફ સુધી પહોંચી એ જ રીતે ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સુધી પણ પહોંચી જ છે. આ થપપ્ડની ગુંજ એટલી હદે પડઘાઇ રહી છે કે મનપાના કર્મચારીઓ, અધિકારીઓ દબાઇને કામ કરવા કરતા રાજીનામુ આપીને ઘરે બેસવા તૈયાર હોવાનું ચર્ચાય છે. શિસ્તબધ્ધ રાજકીય પક્ષ તરીકે ઓળખાતી ભારતીય જનતા પાર્ટી માટે આવા કાંડ પક્ષની પ્રતિષ્ઠાને નુકશાની પહોંચાડી શકે છે પરંતુ તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવી સ્થિતી હોવાથી કોઇ પગલાં લેવાતા નથી. જેના કારણે ભાજપના સંનિષ્ઠ, કર્મઠ કાર્યકરો સમસમીને બેસી રહ્યા છે.
મળતી વિગતો મુજબ, અધિકારીને થપ્પડ મારીને કોન્ટ્રાક્ટ મેળવનાર આગેવાનને તેમની આ શક્તિના જોરે તાજેતરમાં જ તેના વોર્ડ ઉપરાંત કુલ ચાર વોર્ડના સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટ પણ મળી ગયાની જાણકાર સૂત્રોમાં ચર્ચા છે.
ટીઆરપી અગ્નિકાંડ પછી રાજકોટ મહાનગર પાલિકાની ઓળસખ મહાભ્રષ્ટ તંત્ર તરીકે થઇ રહી છે. અનેક અધિકારીઓ, કર્મચારીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાયા છે. અમુક અધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે. આ ઘટના પછી પણ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે નિમાયેલા અનિલ મારુ ચાર્જ સંભાળ્યાના 41 માં દિવસે 1.80 લાખની લાંચ લેતા પકડાયા અને પૂર્વ અધિકારીઓની સાથે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે! આવી કાર્યવાહી પછી તંત્રમાંથી ભ્રષ્ટાચારનો સડો થોડાં સમય માટે તો દૂર થશે એવી આશા હતી. પરંતુ ઉધઇની જેમ તંત્રને કોરી ખાઇ રહેલા લાંચીયા અધિકારી, કર્મચારીઓ કરતૂતો કરી રહ્યા છે. બધાં અધિકારીઓ કે કર્મચારીઓ અપ્રમાણિક છે એવું નથી. પરંતુ પ્રમાણિક અધિકારી, કર્મચારીઓને તેમની ઉપર કાળોતરાની જેમ ફેણ ચડાવીને બેઠેલા ચોક્કસ રાજકીય આગેવાનો ધાક,ધમકી દઇને ધાર્યું
કરાવતા હોવાની ભારે ચર્ચા છે અને એટલે જ પ્રમાણિક સ્ટાફ રાજીનામા ધરી રહ્યા હોય એવું અનુમાન અસ્થાને નથી.